નવી દિલ્હી: વિશ્વના અનેક દેશો અત્યારે કોરોના વાઈરસની ઝપેટમાં છે. માત્ર એકલા અમેરિકામાં જ કોરોના વાઈરસે 50 હજાર લોકોનો જીવ લીધો છે, જ્યારે 9 લાખથી વધુ લોકો હજુ પણ વાઈરસની ઝપેટમાં છે. અમેરિકા પહેલા ઈટલી, ઈરાન, સ્પેન અને ચીન કોરોના વાઈરસનો ખરાબ રીતે ભોગ બની ચૂક્યા છે. આ દેશો પછી હવે એક મહાદ્વીપ કોરોનાના સંકટમાં ખરાબ રીતે ઘેરાતો દેખાઈ રહ્યો છે. આ મહાદ્વીપનું નામ છે આફ્રિકા, જ્યાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન જ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં 43 ટકાનો ભયાનક ઉછાળો જોવા મળ્યો.
આફ્રિકામાં કોરોનના કહેરને પગલે WHOએ ચેતાવણી આપી છે કે, 1.3 બિલિયનની જનસંખ્યા ધરાવતો આ મહાદ્વીપ આ વૈશ્વિક મહામારીનો નવો ટાર્ગેટ બની શકે છે. આફ્રિકાના ‘રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર’ ના ડિરેક્ટર જ્હોન નકેન્ગસોન્ગએ સાપ્તાહિક બ્રીફિંગમાં સ્વીકાર્યું છે કે આફ્રિકા પાસે મર્યાદિત અને ખૂબ જ તણાવપૂર્ણ પરીક્ષણ ક્ષમતા છે. તો બીજી તરફ મેડિકલ એક્સપર્ટસનું પણ માનવું છે કે, આ મહાદ્વીપમાં કોરોનાનો સાચો આંકડો સામે નથી આવ્યો હકીકતમાં પોઝિટીવ કેસ હજુ વધારે હોય શકે છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તાજેતરના રિપોર્ટમાં જ આફ્રિકાની એક અત્યંત ગંભીર તસવીર સામે આવી છે. WHO એ કહ્યું કે, કોરોના વાઈરસ આફ્રિકામાં 3 લાખથી વધુ લોકોનો જીવ લઈ શકે છે. આફ્રિકા પાસે હજુ પણ કોરોના માહામારી સામ લડવાનો સમય છે, પણ તેના માટે જરૂરી છે વધુમાં વધુ લોકોનું ટેસ્ટિંગ અને સંક્રમિત લોકોની ઓળખ. વર્તમાન સમયમાં સમગ્ર આફ્રિકા ટેસ્ટિંગ મામલે સંઘર્ષ કરતું જોવા મળી રહ્યું છે.
1 બિલિયનથી પણ વધુ વસ્તી ધરાવતા આ મહાદ્વીપે અત્યાર સુધીમાં માત્ર 5 લાખ લોકોનું ટેસ્ટિંગ કર્યું છે. ટેસ્ટિંગ મામલે ઈટલીની સરખામણી કરીએ તો આ આંકડો ખૂબ જ ઓછો છે. મહત્વનું છે કે, આફ્રિકામાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં કુલ 26 હજાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે આ આંકડો એક સપ્તાહ પહેલા માત્ર 16 હજારનો હતો તો અહીં 1200થી વધુ લોકોના મોત થયા છે. વૈશ્વિક દ્રષ્ટીએ જોઈએ તો સંક્રમણનો આ આંકડો ઘણો ઓછો છે પણ જે ઝડપે અહીં કેસ વધી રહ્યા છે તે ખરેખર ચિંતાનો વિષય છે.