નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના મક્કામાં હજ માટે ગયેલા 577થી વધુ લોકોનાં પ્રચંડ ગરમીને કારણે મોત થયાં છે. આ મૃતકોમાં સૌથી વધુ ઇજિપ્તના નાગરિકો હોવાનું અહેવાલ જણાવે છે. બે આરબ ડિપ્લોમેટના જણાવ્યા મુજબ મોટા ભાગના મોત ભીષણ ગરમીને કારણે થયા છે. એક ડિપ્લોમેટે કહ્યું હતું કે ઇજિપ્તના બધા લોકોના માર્યા જવાનું કારણ કાળઝાળ ગરમી છે. બસ એક ઇજિપ્તવાસીનું મોત ભીડને કારણે થયું હતું. વધુ ભીડને કારણે એ ઇજિપ્તવાસીને ગંભીર ઇજા થઈ હતી, જેથી તેનું મોત થયું હતું.
તેમણે કહ્યું હતું કે મક્કાની નજીક AI-MUaisem હોસ્પિટલના મૃતદેહ ગૃહમાંથી મૃતકોનો આંકડો સામે આવ્યો હતો. આ મૃતકોમાં 60 લોકો જોર્ડનના છે. જોકે જોર્ડને મૃતકોની સત્તાવાર આંકડો 41 જણાવ્યો હતો, પરંતુ હવે એ સંખ્યામાં ભારે વધારો થયો હતો. સમાચાર એજન્સી AFPએ વિવિધ દેશોથી મૃતકોના આંકડા એકત્રિત કર્યા હતા. ન્યૂઝ એજન્સીના જણાવ્યાનુસાર હવે મોતનો આંકડો વધીને 577નો થયો છે.
સાઉદી અધિકારીઓએ ગરમીથી પીડિત 2000થી વધુ હજયાત્રીઓની સારવાર કરવાની સૂચના આપી હતી. ગયા વર્ષે વિવિધ દેશોએ કમસે કમ 240 હજયાત્રીઓનાં મોતની સૂચના આપી હતી, જેમાં મોટા ભાગના ઇન્ડોનેશિયાના હતા. આ વખતે અત્યાર સુધી 136 ઇન્ડોનેશિયા હજયાત્રીઓનાં મોતની માહિતી છે.
સાઉદીના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના જણાવ્યાનુસાર સોમવારે મક્કાની ગ્રેન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું હતું. સાઉદી અધ્યયનના જણાવ્યાનુસાર હજ યાત્રા જળવાયુ પરિવર્તનથી ઝડપથી પ્રભાવિત થઈ રહી છે. અહીંનું તાપમાન દરેક દાયકામાં 0.4 ડિગ્રી વધી રહ્યું છે.