અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ 15મી મેએ છે, પરંતુ શું અત્યારે પરિવારનું મહત્વ એટલું છે ખરું? અમદાવાદ સહિત ગુજરાતની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં 1.10 લાખ કોલ મહિલા હેલ્પલાઇન અભયમને મળ્યા છે. આમાં માત્ર પારિવારિક ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે.
લોકોમાં સંયમ અને સહનશક્તિ સતત ઘટી રહી છે. હવે લોકોને પોતાની નોકરીના હોદ્દા મામલે ઈગો આવ્યો છે, જેને કારણે પતિ અને પત્ની વચ્ચે વિવાદો વધ્યા છે. છેલ્લે બે વર્ષમાં અભયમની ટીમને પારિવારિક ઝઘડાના અમદાવાદમાં 20,347 કોલ, સુરતમાં 9319 કોલ, વડોદરામાં 9030 કોલ, રાજકોટમાં 8789 કોલ, કચ્છમાં 5333 કોલ અને બનાસકાંઠામાં 3610 કોલ મળ્યા હતા એમ ડેટા કહે છે.
અભયની ટીમે દરેકના ઘરે જઈને કાઉન્સેલિંગ કર્યું હતું. અભયમ દ્વારા કરવામાં આવેલા કાઉન્સેલિંગમાં 1.08 લાખ કેસમાં સમાધાન કરવામાં આવ્યું હતું. જ્યારે બાકીના 2000 કેસમાં પતિ-પત્ની એકબીજાથી અલગ થવા માગતા હોવાથી મામલો કોર્ટ સુધી પહોચ્યો છે. આવામાં પરિવારમાં ક્યાંથી સુખ અને શાંતિ સ્થપાશે? ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેરોમાં રહેતા લોકોમાં ઝઘડાઓ વધી રહ્યા છે, કારણ કે અહીં સંયુક્ત કુટુંબમાં રહેવાનું ચલણ ખૂબ જ નહિવત્ છે. એકલા રહેતા હોવાથી પતિ-પત્નીમાં ઈગો, સર્વત્વ, વર્ચસ્વ અને સ્વામીત્વની ભાવનાઓ વધવા લાગી છે. એટલું જ નહીં પરંતુ બિનજરૂરી ખર્ચને કારણે પણ ઝઘડો થયા છે અને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. વર્ષ 1993થી આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે જુદા-જુદા વિષયો આધારિત આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
