‘અંજુ કી જાપાન ડાયરી’ નું શું છે ગુજરાત કનેક્શન?

અમદાવાદ: 1963માં રાજસ્થાનના કોટામાં જન્મેલી અને ત્યાં જ ભણેલી એક છોકરીના લગ્ન 1988માં જાપાનના એક છોકરા સાથે થાય છે. લગ્ન સાથે જ શરૂ થાય છે તેનું એક નવું જીવન અને સંઘર્ષગાથા. પ્રથમ વખત પોતાનો દેશ છોડીને વિદેશ પહોંચનારી આ છોકરીને એવું લાગે છે કે જાણે તે બીજા જ કોઈ વિશ્વમાં પહોંચી ગઈ છે. તે સમયે જાપાનમાં કોઈ અંગ્રેજી બોલે નહીં. ક્યાંય જાહેરમાં અંગ્રેજીમાં લખેલા સાઈનબોર્ડ ન દેખાય કે ન હતી તે સમયે અત્યારના જેવી આધુનિક ટેક્નોલોજી અને ઈન્ટરનેટની સુવિધા. આ છોકરી કે જે આજે નાની બની ગઈ છે તેમના જ શબ્દોમાં કહીએ તો ક્વિન ફિલ્મમાં કંગના રણૌતે એકલાં હનીમૂન પર જઈને જે તકલીફોનો સામનો કર્યો હતો તે અનુભવ તેમને 1988માં જ થઈ ગયો હતો.  અમે વાત કરી રહ્યાં છીએ અંજના શિનોડાની. અત્યારે એમની વાત ખાસ એટલાં માટે કરી રહ્યાં છીએ કારણ કે, ગત 28મી માર્ચના રોજ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે તેમના દ્રારા લખાયેલ પુસ્તક “અંજુ કી જાપાન ડાયરી”નું લોકાર્પણ કરવામાં આવ્યું. 61 વર્ષની ઉંમરે નાની બની ગયેલા (તેમને ત્રણ દીકરી છે) અંજના સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેમની વાતો પરથી લાગ્યું કે ખરેખર તેમની લગ્ન પછીની સફર રસપ્રદ રહેવાની સાથે ખુબ જ સંઘર્ષ ભરી હતી. આ જ સંઘર્ષ ગાથાને તેમણે સરળ શબ્દોમાં ઢાળીને આ પુસ્તક તૈયાર કર્યું છે. આ પુસ્તક એ દરેક વ્યક્તિ માટે છે જેઓ જાપાન જવા માંગે છે અથવા તો જાપાનને નજીકથી જાણવા માંગે છે.આ વાર્તાનું સૌથી રસપ્રદ પાત્ર છે અંજનાના પતિ તાકાશી શિનોડા. વાતની શરૂઆત અંજના સાથે એ રીતે થાય છે કે, “યે ઉન દિનોં કી બાત હૈ…” જ્યારે તાકાશી અમદાવાદમાં સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટમાં ‘ગુજરાતની અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ’ વિષય પર PhD કરી રહ્યા હતા. આ દરમિયાન અંજનાના મોટાભાઈ પણ તેમની સાથે અભ્યાસ કરતા હતા, બંન્ને રૂમમેટ પણ હતા. આથી ઘર-પરિવારના સભ્યો વિશે અવાર-નવાર વાત થતી. તાકાશીએ અંજનાની તસવીરો પણ જોયેલી હતી. તેઓ ભારત તેમાં પણ ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદને પોતાનું બીજું ઘર માને છે. આથી લગ્ન પછી અંજના દર વર્ષે ભારત આવે કે ન આવે તેઓ વર્ષમાં ત્રણ વખત અમદાવાદ આવતા હતા. અહીં PhD કર્યા બાદ તાકાશીને જાપાનમાં પ્રોફેસરની નોકરી મળી ગઈ હતી. પરંતુ મનમાં ભારત દેશ એવો ઘર કરી ગયો હતો કે તેમની ઈચ્છા હતી કે ભારતીય છોકરી સાથે લગ્ન કરવા. તે માટે તેમણે અંજનાના મોટા ભાઈને પત્ર લખ્યો અને અંજના સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી. થોડી ઘણી ચર્ચા બાદ અમદાવાદમાં ગુજરાતી રીતિ-રિવાજોથી બંન્નેના લગ્ન પણ થઈ ગયા.હવે શરૂ થઈ અંજનાની અગ્નિ પરીક્ષા. 1988માં તેઓ જ્યારે ટોકિયો પહોંચ્યા ત્યારે તેમને લાગ્યું કે ટાઈમ સ્વિપ કરીને કોઈ બીજા જ વિશ્વમાં પહોંચી ગયા છે. મોટી-મોટી ઈમારતો, સ્વચ્છ-સુંદર રસ્તાઓ અને ચારે તરફ ફૂલો જ ફૂલો કારણ કે માર્ચ મહિનામાં તેઓ જાપાન પહોંચ્યા ત્યારે ત્યાં ચેરી બ્લોસમની સિઝન ચાલી રહી હતી. તાકાશીને ખબર હતી કે અંજનાએ જાપાનીઝ ભાષા શીખ્યા વગર ચાલશે જ નહીં. આથી પહેલાંથી જ ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન કરાવી રાખ્યું હતું. પ્રથમ દિવસે જ તાકાશીએ અંજુને કહી દીધું હતું કે આ જાપાન છે ભારત નહીં અહીં ટ્રેન એક મિનિટ પણ મોડી પડતી નથી. આથી સમયસર સ્ટેશને પહોંચવું ખુબ જ જરૂરી છે. જો કે અંજુએ આ વાતને ગંભીરતાથી ન લીધી અને પ્રથમ દિવસે જ અનેક ટ્રેન છોડી દીધી. અહીંથી શરૂ થઈ અંજુની સાચી પ્રેક્ટિકલ ટ્રેનિંગ. ટ્રેન પર નામ જાપાનીઝ ભાષામાં હોય. આથી પતિ અંગ્રેજી નામ નીચે જાપાનીઝ ભાષા લખીને આપે. પરંતુ અંજુ શબ્દોનો મેળ બેસાડે ત્યાં તો ટ્રેન નીકળી જાય. આમ શરૂઆતમાં અંજુની અનેક ટ્રેનો છૂટી. આવાં અનેક રસપ્રદ કિસ્સા તમને ‘અંજુ કી જાપાન ડાયરી’માં વાંચવા મળશે.ચિત્રલેખા.કોમે જ્યારે અંજના શિનોડા સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે આટલાં વર્ષ બાદ તમને કેમ આ પુસ્તક લખવાનો વિચાર આવ્યો? ત્યારે તેમણે જણાવ્યું કે, “હું જ્યારે પણ અમદાવાદ આવતી હતી ત્યારે AMAમાં જાપાનીઝ ભાષા અને રસોઈકળાની વર્કશોપ કરાવતી હતી. આ દરમિયાન મને લાગ્યું કે એવાં અનેક વિદ્યાર્થીઓ છે જેમને લાગે છે કે જાપાનીઝ ભાષા શીખીને જાપાન પહોંચી જશે તો ચાલશે. પરંતુ ખરેખર એવું નથી. ભાષા તો તમે કોઈપણ માધ્યમથી શીખી શકો છો. જો ખરેખર તમારે તે દેશમાં રહેવું હોય તો તેની સંસ્કૃતિને જાણવી ખુબ જ જરૂરી છે. ત્યાંનું ખાન-પાન, ત્યાંની રહેણી-કરણી જાણવી ખુબ જ જરૂરી છે. જે દેશમાં તમે રહેવા જાવ છો ત્યાંની સંસ્કૃતિને જાણવાથી તમે ત્યાંના લોકોને વધારે સારી રીતે ઓળખી શકો છો. આ સમજણ જો તમારામાં વિકસે અને તમે ત્યાંના લોકોની સાથે અનુકૂળતા કેળવી લો તો બીજા દેશમાં પોતાનું અસ્તિત્વ ટકાવવામાં સરળતા રહે છે. આ વિચારો સાથે જ મેં આ પુસ્તક લખ્યું છે.”

અંજુનું કહેવું છે કે, “તેઓ જ્યારે જાપાન ગયા ત્યારે તેમને લાગ્યું કે, આ નાનકડો દેશ ભારત કરતાં 30 વર્ષ આગળ છે. ત્યાંના લોકોની સૌથી મહત્વની વાત હતી સમયની પાબંદી અને ઈમાનદારી. સ્વચ્છતા પણ ખુબ જ જોવા મળે. તમને રસ્તા પર કોઈ ડસ્ટબિન ના જોવા મળે. આ અંગે અંજના એક રસપ્રદ કિસ્સો જણાવે છે. તેઓ એક દિવસ ટ્રેનમાં જઈ રહ્યા હતા. ત્યારે એક બે વર્ષનું બાળક તેની માતા સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું હતું. તેણે એક કેન્ડી ખાઈને તેનું રેપર ફેંકવાનો પ્રયત્ન કર્યો. તો તેની માતાએ એ રેપરને લઈને ફોલ્ડ કરીને બાળકના ખિસ્સામાં મૂકી દીધું. આથી પછી બાળકે બીજી કેન્ડી ખાઈને પોતાનું રેપર જાતે જ ફોલ્ડ કરવાનો પ્રયત્ન કર્યો. આમ સ્વચ્છતાના પાઠ બાળકોને નાનપણથી જ શીખવવામાં આવે છે.ખુબ જ નિખાલસ ભાવે અંજના કહે છે, “હું કોઈ લેખક નથી. પરંતુ હું નવી-નવી જ્યારે ભારતથી જાપાન ગઈ હતી. ત્યારથી મને મારી દિનચર્યા વિશેના અનુભવો ડાયરીમાં લખવાની ટેવ હતી. મારા માટે જાપાનમાં સંઘર્ષ વધારે એટલાં માટે હતો કારણ કે મારે ત્યાંની સંસ્કૃતિ સાથે તાલમેલ મીલાવવાનો છે. બાળકોનો ઉછેર કરવાનો છે. બાળકોને જાપાનની અને  ભારતની બંન્ને સંસ્કૃતિ શીખવવાની છે. આ વચ્ચે મેં જ્યારે પૂછ્યું કે તમારા બાળકોને હિંદી આવડે છે. તો તેમનો જવાબ ખુબ જ રસપ્રદ હતો, કે તેમનાં બાળકો શાહરૂખ ખાનની ફિલ્મો જોઈને હિંદી શીખ્યા છે. વચોટ દીકરી નાની હતી ત્યારે ભારત આવે અને કોઈ પૂછે કે તારું નામ શું છે, તો કહે “સાંચી, નામ તો સુના હોગા!”.અંજુની ડાયરી લખવાની ટેવ વિશે પતિ તાકાશીને જાણ હતી. આથી તેમણે જ અંજુને પ્રોત્સાહન આપ્યું કે એમણે પોતાના અનુભવો વિશે એક પુસ્તક લખવું જોઈએ. અંજના કરતા તાકાશી સવાયા ગુજરાતી છે. એક વર્ષ પહેલાં તેઓ રિટાયર્ડ થઈ ગયા છે. પરંતુ આટલા વર્ષોમાં એક પણ વર્ષ એવું નથી કે તેઓ અમદાવાદ ન આવ્યા હોય. તેમની મદદ અને પ્રેરણા વગર અંજુથી આ પુસ્તક લખવું મુશ્કેલ હતું. દીકરીઓનું તો કહેવું છે કે આ પુસ્તકનો જાપાનીઝ ભાષામાં અનુવાદ થવો જોઈએ. જેથી કરીને ત્યાંના લોકોને પણ એ વાતની જાણ થાય કે બહારથી આવનારા લોકોને કેવાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

રાધિકા રાઓલ (અમદાવાદ)