રાજ્યમાં મિશ્ર ઋતુને કારણે રોગચાળોઃ કોરોના પણ વકર્યો

અમદાવાદઃ રાજ્યમાં રોગચાળાએ માઝા મૂકી છે. મિશ્ર ઋતુને લીધે ઝાડા-ઉલટીના કેસ નોંધાતા હોય છે, તેવામાં અનેક શહેરોમાં સ્વાઇન ફ્લુના કેસ વધી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રોગચાળો વકર્યો છે. ગયા સપ્તાહમાં કોર્પોરેશનમાં શરદી-ઉધરસ-તાવના 1000 સહિત વિવિધ રોગના કુલ 1200 કેસ નોંધાયા છે. જેમાં ઝાડા-ઊલટીના 200 અને મેલેરિયાનો એક કેસ નોંધાયો છે. જોકે નાના-મોટા ખાનગી ક્લિનિકોમાં આ આંકડો પાંચ ગણો હોવાની શક્યતા છે.

છેલ્લા ત્રણ દિવસથી પડતી ગરમીને કારણે સુરત સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ધરખમ વધારવા નોંધાયો છે. ગેસ્ટ્રોટાઈટિસ અને વાયરલ ફીવર સહિતના કેસો વધુ આવી રહ્યા છે.

રાજ્યમાં ગરમીની સાથે-સાથે રોગચાળો વકર્યો છે. ઉનાળાની શરૂઆત થતાં ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુના કેસ વધતા હોવાનો સ્વીકાર ખુદ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ડ રાકેશ જોશીએ કર્યો છે. સ્વાઇન ફ્લુમાં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો થાય છે. જો સ્વાઇન ફ્લુમાં સારવાર ન મળે તો લોકોને ઝાડા-ઉલટી અને ન્યુમોનિયા પણ થઈ જાય છે. સ્વાઇન ફ્લુનો સૌથી વધુ ખતરો નાનાં બાળકો અને વૃદ્ધો પર હોય છે.

 રાજ્યની હોસ્પિટલો ઝાડા-ઊલટી અને તાવને કારણે દર્દીઓથી ઊભરાઈ રહી છે. તેવામાં કોરોનાના કેસો પણ નોંધાયા છે. હજુ પણ દૈનિક ધોરણે કોરોનાના 40 આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો ત્રણ દર્દીઓ ઓક્સિજન પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.