શ્રીનગર: ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના ઠેકાણાં નષ્ટ કર્યા બાદ હવે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદવિરોધી ઝુંબેશ વધુ ઝડપી બનાવી છે. કિશ્તવાડ જિલ્લાના સિંગપોરા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. અહેવાલ મુજબ આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં જ ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો. સમયાંતરે બંને પક્ષે ગોળીબાર થઇ રહ્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી નથી. આ વિસ્તારમાં નાગરિકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ આતંકવાદીઓની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ 3-4 આતંકવાદીઓ છુપાયેલા હોવાની આશંકા છે. પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા હતા. આ હુમલામાં સામેલ પાંચ આતંકવાદીઓ હજુ સુધી ફરાર છે, એવામાં સેનાનું અભિયાન ખૂબ મહત્વનું છે.
બીજી તરફ બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSFએ) એક ઓપરેશનમાં જમ્મુ સરહદ પર પાંચ પાકિસ્તાની ચોકીઓ અને એક આતંકવાદી ‘લોન્ચપેડ’નો નાશ કર્યો હતો. બુધવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી.
BSF કમાન્ડન્ટએ જણાવ્યું હતું કે અમે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો છે. અમે તેમની ઘણી પ્રોપર્ટીનો નાશ કર્યો. મસ્તપુરમાં તેમનું એક લોન્ચપેડ હતું, જેને અમે નષ્ટ કરી દીધું. અમારી કાર્યવાહીને કારણે તેમની પાંચ ચોકીઓ સંપૂર્ણપણે નાશ પામી અને અમે તેમનાં ઘણાં બંકરોનો પણ નાશ કર્યો છે.
