રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવામાં ભારત કરશે યોગદાનઃ ઝેલેન્સ્કીને વિશ્વાસ

નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સ્કીએ દેશના સ્વાતંત્ર્ય દિવસ પર શુભેચ્છા પાઠવવા બદલ PM નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત કરવામાં ભારતના યોગદાન પર યુક્રેનને વિશ્વાસ છે.

ઝેલેન્સ્કીએ એક સોશિયલ મિડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે યુક્રેન, શાંતિ અને સંવાદ પ્રત્યે ભારતના સમર્પણની કદર કરે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હવે જ્યારે આખી દુનિયા આ ભયાનક યુદ્ધને સન્માનજનક રીતે અને કાયમી શાંતિ સાથે સમાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે અમને ભારતના યોગદાન પર વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે કૂટનીતિને મજબૂત બનાવતો દરેક નિર્ણય માત્ર યુરોપમાં જ નહીં પરંતુ હિન્દ-પ્રશાંત પ્રદેશ અને તેનાથી આગળ પણ વધુ સુરક્ષા તરફ દોરી જાય છે.

PM મોદીએ 16 ઓગસ્ટે યુક્રેનના લોકો માટે શાંતિ અને પ્રગતિથી ભરેલા ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી અને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા બદલ ઝેલેન્સ્કીનો આભાર માન્યો હતો. તે પહેલાં ઝેલેન્સ્કીએ 15 ઓગસ્ટે ભારતને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે તેમને આશા છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલુ યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રયત્નોમાં ભારત યોગદાન આપશે.

પીએમ મોદીએ X પર કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી, તમારી હાર્દિક શુભેચ્છા બદલ આભાર. હું ભારત અને યુક્રેન વચ્ચે વધુ નજીકના સંબંધો બાંધવા માટેની અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાને બહુ મૂલ્ય આપું છું. અમે યુક્રેનમાં અમારા મિત્રોને શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિથી ભરેલા ભવિષ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. ત્યાર બાદ ઝેલેન્સ્કીએ મંગળવારે પ્રધાનમંત્રી મોદીને 24 ઓગસ્ટે પ્રાપ્ત થયેલો એક પત્ર પોસ્ટ કર્યો, જેમાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિને ભારતના સ્વાતંત્ર્ય દિવસ પર તેમના સંદેશ અને શુભેચ્છા બદલ આભાર માન્યો હતો.