દેશમાં કોરોનાના 6,491 એક્ટિવ કેસ, નવો વેરિઅન્ટ XFG સામે આવ્યો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કેસોમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,491 થઈ છે. આ સાથે જ ઈન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ કંસોર્ટિયમના એક્સ.એફ.જી.(XFG) વેરિયન્ટ વિશે જાણકારી મળી છે. દેશભરમાંથી આ નવા વેરિયેન્ટના 163 કેસ સામે આવ્યા છે.રાજ્યવાર આંકડા અનુસાર, કેરળ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. દક્ષિણના આ રાજ્યમાં 1,957 સક્રિય કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં આ રાજ્યમાં 7 નવા કેસનો ઉમેરો થયો છે. આ સિવાય મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં સક્રિય કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોચી છે.  રિપોર્ટ અનુસાર, દેશભરમાંથી નવા XFG વેરિયન્ટના 163 કેસ મળી આવ્યા છે. જેમાંથી, મહારાષ્ટ્રમાં 89, તમિલનાડુમાં 16, કેરળમાં 15, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. XFG વેરિયન્ટ કોરોના વાયરસના ઓમિક્રોન ઉપ-વેરિયન્ટમાંથી ઉદભવેલો છે. પ્રતિષ્ઠિત જર્નલ ધ લેન્સેટ અનુસાર, આ વેરિયન્ટ પહેલા કેનેડામાં મળી આવ્યો હતો. XFGના કુલ ચાર પ્રમુખ મ્યૂટેશન મળી આવ્યા છે. જે તેને વધુ સંક્રામક અને રોગ પ્રતિકારક શક્તિની સિસ્ટમથી બચવામાં સક્ષમ બનાવે છે. આ સાથે જ તે વેક્સિન બાદ મળેલી ઈમ્યુનિટીને પણ થાપ આપી શકે છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કોઈ મોત થયું નથી. પરંતુ, 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધીમાં 65 દર્દીના મોત થયા છે.