કેનેડા: અહીંની સરકારે વિદેશ મંત્રી એસ. જયશંકરની પ્રેસ કોન્ફરન્સનું પ્રસારણ કર્યાના થોડા કલાકો બાદ ઓસ્ટ્રેલિયા ટુડે પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રેસ કોન્ફરન્સ ઓસ્ટ્રેલિયા ટુડે દ્વારા તેની યુટ્યુબ ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. ભારતે આ બાબતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે કેનેડાના પ્રતિબંધ મૂકવાના પગલાથી આશ્ચર્યચકિત છે. સાથે જ ભારપૂર્વક જણાવ્યું કે આ પગલું અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના દંભને છતી કરે છે. ઓસ્ટ્રેલિયા ટુડેએ કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં જયશંકર અને ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું પ્રસારણ કર્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયા ટુડેના સોશિયલ મીડિયા હેન્ડલ (પેજ) બ્લોક કરી દેવામાં આવ્યું છે અને તે હવે કેનેડામાં દર્શકો માટે ઉપલબ્ધ નથી. વિદેશ મંત્રી જયશંકરે સિડનીમાં પોતાના મીડિયા કાર્યક્રમમાં ત્રણ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. પહેલી વાત એ છે કે કેનેડાએ આક્ષેપો કર્યા હતા અને કોઈ ચોક્કસ પુરાવા વિના પેટર્ન વિકસાવી હતી. બીજું, તેમણે હાઇલાઇટ કર્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ પર નજર રાખવામાં આવી રહી છે. ત્રીજો મુદ્દો એ હતો કે કેનેડામાં ભારત વિરોધી તત્વોને રાજકીય જગ્યા આપવામાં આવી હતી.ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના બ્રામ્પટનમાં એક હિન્દુ મંદિર પર હુમલો કર્યાના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી, જેને જયશંકરે ખૂબ જ ચિંતાજનક ગણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેનેડામાં હિન્દુ મંદિર પરના હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ભારતીય રાજદ્વારીઓને “ધમકાવવા” માટે “કાયરતાપૂર્ણ પ્રયાસો” કરવામાં આવ્યા હતા. અગાઉ, ભારતે “ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓ દ્વારા આચરવામાં આવેલી હિંસાની નિંદા કરી હતી” અને કેનેડાને આહ્વાન કર્યું હતું કે તે સુનિશ્ચિત કરે કે તમામ પૂજા સ્થાનો પર્યાપ્ત રીતે સુરક્ષિત છે.