બાંગ્લાદેશમાંથી આયાત થતા અનેક માલસામાન પર ભારતે મૂક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થોડા સમયથી ટેન્શન ચાલી રહ્યું છે. શેખ હસીના સરકાર જતાં જ બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. હવે તેનો પ્રભાવ આયાત-નિકાસ વેપાર પર પણ પડી રહ્યો છે. બાંગ્લાદેશની હરકતોને ધ્યાનમાં રાખીને ભારતે જમીન રૂટ દ્વારા આયાત થતાં રેડીમેડ કપડાંથી લઈને જુટના થેલા સહિતના અનેક બાંગ્લાદેશી માલસામાનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ભારતે જમીન માર્ગે આયાત પર મૂક્યો પ્રતિબંધ

ભારત-બાંગ્લાદેશ સીમા પર હવે કોઈ પણ લેન્ડ પોર્ટ દ્વારા બાંગ્લાદેશમાંથી આવતા માલને આયાત કરવાની મંજૂરી મળશે નહીં, જેમાં જુટના થેલા, કપડાં, બાસ્ટ ફાઇબરના બ્લીચ અને બિન-બ્લીચ કરેલા વણાટવાળાં કપડાંનો સમાવેશ થાય છે. આ સિવાય દોરડા, રસી, જુટની દોરડી અને જુટની બોરીઓની આયાત પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ

શેખ હસીના સરકારનો તખતાપલટ થતાં જ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર હુમલા થયા હતા, તેમાં ખાસ કરીને હિન્દુઓ પર અત્યાચાર કરાયા અને મંદિરોને તોડી પાડવામાં આવ્યાં હતાં. આ બાબતે ભારતે સતત ટિપ્પણી કરી હતી. યુનુસ દ્વારા અલ્પસંખ્યકો, ખાસ કરીને હિન્દુઓ પર થતા હુમલાઓ રોકવામાં નિષ્ફળ ગયા બાદ ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. 2023-24માં ભારત-બાંગ્લાદેશ વેપાર 12.9 અબજ અમેરિકન ડોલરનો હતો. 2024-25માં ભારતની નિકાસ 11.46 અબજ અમેરિકન ડોલર રહ્યો હતો, જ્યારે આયાત બે અબજ અમેરિકન ડોલર રહી હતી.