અમદાવાદની યુવતીનો પોલીસ પર આક્ષેપ કરતો વીડિયો વાયરલ

અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતી યુવતી આયેશા ગલેરિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેણે અમદાવાદ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે જુહાપુરા પોલીસે તેની ફરિયાદ લીધી નથી. વીડિયોમાં યુવતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશ્નરને સંબોધીને કહે છે કે તેને ન્યાય જોઈએ છે, શહેર પોલીસે તેની સાથે અન્યાય કર્યો છે. બીજી તરફ આ મહિલા વિરુદ્ધ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. એસ.જી. હાઇવે-2 પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. જે ઘટનામાં મહિલાએ અકસ્માત કરીને બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી.

આયેશા ગલેરિયાનું કહેવું છે કે બે દિવસ પહેલા જ્યારે તે YMCA પાસેથી કાર લઈને પસાર થઈ રહી હતી ત્યારે એક ભાઈએ તેની ગાડીને ટક્કર મારીને આગળ જવા લાગ્યા. તેણે આગળ જઈને તેમને રોક્યા તો એ ભાઈએ તેને ગાળો આપી અને લાફો પણ માર્યો. આ દરમિયાન તેણે પોતાના ભાઈને અને પોલીસને ફોન કર્યો. પછી પોલીસની રાહ જોવા દરમિયાન તે ગાડીમાં જઈને બેઠી અને ગાડીને અંદરથી લોક કરી. કારણ કે તે ભાઈના વ્યવહારથી તેને અનસેફ ફિલ થવા લાગ્યું. ત્યારે એ ભાઈ તેની ગાડી પાસે આવીને તેને બહાર નીકળવાનું કહેવા લાગ્યા અને ગાડીને જોરથી નોક કરવા લાગ્યા. ખરાબ ભાષા વાપરવા લાગ્યા. ત્યારબાદ પોલીસ આવી. આયેશાએ પોલીસને સમગ્ર ઘટના જણાવી. વીડિયોમાં આયેશાનો આરોપ છે કે પોલીસ મારી વાત સાંભળવા તૈયાર ન હતી, મારી ફરિયાદ લેવા તૈયાર ન હતી. આયશાનું કહેવું છે કે, “પોલીસ મારી ફરિયાદ લેવા તૈયાર ન હતી. મને ચાર કલાક સુધી બહાર બેસાડી રાખી. જ્યારે બીજી પાર્ટીને અંદર એસીવાળા રૂમમાં બેસાડીને તેમને ચા-પાણી કરાવવામાં આવ્યા અને તેમની ફરિયાદ લઈને તેમને જવા દેવામાં આવ્યા.”જયારે બીજી તરફ આ મામલે પોલીસે ખુલાસો કર્યો છે કે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ અકસ્માત કર્યો હોવાથી ફરિયાદ થઈ હતી. બંને પક્ષ વચ્ચે બોલાચાલીને લઈને પોલીસે NC ફરિયાદ નોંધી છે. પરંતુ મહિલા સહી કર્યા વગર રવાના થઈ ગઈ હતી. મહિલાની ફરિયાદ લેવા માટે પોલીસ તૈયાર છે. પોલીસે જણાવ્યું કે તેઓ નિષ્પક્ષ તપાસ કરવા તૈયાર છે. 14 જુલાઈએ એસ.જી હાઇવે પર સર્વિસ રોડ પર પર સિદ્ધરાજસિંહ મકવાણા નામના વકીલ તેમનાં પત્ની અને દીકરી સાથે બલેનો ગાડીમાં જઈ રહ્યા હતા. તે સમયે આયેશા ગેલેરિયા નામની આ યુવતી પૂરપાટ ઝડપે કાર લઈને આવી રહી હતી અને વકીલની ગાડીને અથડાવી હતી. ત્યારબાદ યુવતીએ ગાડી આગળ લઈ જઈને ઊભી રાખી હતી અને વકીલ સિદ્ધરાજસિંહ મકવાણાની ગાડી પણ ઊભી રખાવી હતી. વકીલે ગાડીમાંથી બહાર આવીને જોતા તેમની ગાડીને નુકસાન થયું હતું. અકસ્માત કરનાર આયેશા ગેલેરિયા વકીલ સિદ્ધરાજસિંહ મકવાણા સાથે બોલાચાલી કરવા લાગી હતી. જેથી વકીલે પોલીસને જાણ કરી હતી. વકીલે યુવતી સામે એસ.જી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.