ઉત્તર પ્રદેશમાં SIR મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં સમાજવાદી પાર્ટીના નેતા અરવિંદ કુમાર સિંહની અરજી પર નોટિસ જારી કરી છે. આ અરજીમાં તેમણે ઉત્તર પ્રદેશમાં મતદાર યાદીના વિશેષ ગહન સુધારા (SIR)ને પડકાર્યો છે. અરવિંદ સિંહે ચૂંટણી પંચ દ્વારા આ પ્રક્રિયા અંગે જારી કરાયેલા નોટિફિકેશનને રદ કરવાની માગ કરી છે. સાથે જ તેમણે જનગણના, નિયંત્રણ કોષ્ટક, ડ્રાફ્ટ મતદાર યાદી અપડેટ કરવાની અને અંતિમ મતદાર યાદી જાહેર કરવાની નિર્ધારિત સમયમર્યાદા ત્રણ મહિના વધારવાની પણ અપીલ કરી છે.

CJI સૂર્યકાંત અને જસ્ટિસ બાગચીની બેન્ચે અરવિંદ સિંહના વકીલ, વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ દવેની દલીલો સાંભળ્યા બાદ આ આદેશ આપ્યો હતો. વકીલની વિનંતી પર કોર્ટે આ મામલાને અન્ય SIR સંબંધિત કેસોથી અલગ રાખ્યો છે. એ સાથે જ ઉત્તર પ્રદેશ સંબંધિત SIR કેસોની—જેમાં આ અરજી તેમ જ કોંગ્રેસ સાંસદ તનુજ પુનિયાની અરજીનો સમાવેશ થાય છે—સુનાવણી 18 ડિસેમ્બરે નક્કી કરવામાં આવી છે.

સમાજવાદી પાર્ટીના નેતા ઉપરાંત ડીએમકે, અભિનેતા વિજયની પાર્ટી ટીવીએકે (TVK), સીપીઆઈ (એમ), ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટી, ટીએમસી અને તેમના નેતાઓ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. આ તમામે તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળ જેવાં રાજ્યોમાં લાગુ કરાયેલા SIRને પડકાર્યો છે.

સિંહે ઉત્તર પ્રદેશમાં SIRને પડકારતી અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેમણે ચૂંટણી પંચની 27 ઓક્ટોબરની નોટિફિકેશન તેમ જ તે સાથે જોડાયેલા તમામ આદેશો અને નિર્દેશોને રદ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે આ આદેશો બંધારણના અનુચ્છેદ 14, 19, 21, 325 અને 326 તેમ જ જન પ્રતિનિધિત્વ અધિનિયમ અને મતદાર નોંધણી નિયમો, 1960નું ઉલ્લંઘન કરે છે. આ આદેશોમાં તે નિર્દેશ પણ સામેલ છે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ SIR પ્રક્રિયા અંગે તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોના અધ્યક્ષો અને મંત્રીઓને માહિતી આપી હતી.