છેલ્લા એક વર્ષમાં કૃષિ ક્ષેત્રે 10,786 ખેડૂતો, ખેતમજૂરોએ કરી આત્મહત્યા

નવી દિલ્હીઃ દેશભરમાં વર્ષ 2023માં કુલ 1,71,418 આત્મહત્યાઓ થઈ હતી, જેમાંથી 10,786 આત્મહત્યાઓ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ કરી હતી, તેમાં 4690 ખેડૂત/ખેતમાલિક અને 6096 કૃષિ મજૂરોનો સમાવેશ થાય છે, એમ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)નો અહેવાલ કહે છે. આ આંકડો કુલ આત્મહત્યા પીડિતોના 6.3 ટકા જેટલો છે. વર્ષ 2023માં ખેડૂત અને કૃષિ મજૂરોની આત્મહત્યાઓની સંખ્યા 2022ની તુલનામાં 4 ટકાથી વધુ ઘટી છે, ત્યારે 11,290 કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ આત્મહત્યા કરી હતી.

રાજ્યવાર સ્થિતિ

સૌથી વધુ કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી આત્મહત્યાઓ મહારાષ્ટ્રમાં થઈ, જ્યાં 4151 આત્મહત્યાઓ નોંધાઈ છે, જે કુલ કૃષિ આત્મહત્યાઓના 38 ટકાથી વધુ છે. તેના પછી કર્ણાટકમાં 2423 આંધ્ર પ્રદેશમાં 925, મધ્ય પ્રદેશમાં 777 અને તામિલનાડુમાં 631 આત્મહત્યાઓ નોંધાઈ હતી.

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખેડૂતોની તુલનામાં કૃષિ મજૂરોની આત્મહત્યા ઓછી થઈ, જ્યારે આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને તામિલનાડુમાં કૃષિ મજૂરોની આત્મહત્યા વધુ નોંધાઈ હતી. મહારાષ્ટ્ર અને કર્ણાટકે મળીને દેશમાં ખેડૂતો અને મજૂરોની આશરે 60 ટકા આત્મહત્યાઓનો હિસ્સો નોંધાવ્યો. આ બંને રાજ્ય 2022માં પણ આ યાદીમાં ટોચ પર હતાં. ખેડૂત સંસ્થાઓએ કેન્દ્ર સરકારની નીતિઓને આ સંકટ માટે જવાબદાર ઠેરવી છે. અખિલ ભારતીય ખેડૂત સભાના અધ્યક્ષ અશોક ધવલે કહ્યું હતું કે આત્મહત્યાઓની આ શ્રેણી કેન્દ્ર સરકારની નીતિગત નિષ્ફળતાને દર્શાવે છે. તેમણે ખાસ કરીને કપાસનો બેલ્ટ — વિદર્ભ અને મરાઠવાડામાં વધતી આત્મહત્યાઓને ઉલ્લેખિત કરી, જ્યાં ખેડૂતો કપાસ અને સોયાબીનની ખેતી કરે છે.

સરકાર દ્વારા તાજેતરમાં કપાસ પરના 11 ટકા આયાત શૂલ્કને દૂર કરવાનો નિર્ણય પણ આલોચનાનો વિષય બન્યો છે. ખેડૂતોનું માનવું છે કે આ નિર્ણયથી અમેરિકન કપાસને ભારતીય બજારમાં સસ્તા ભાવે પ્રવેશ મળશે, જેને કારણે દેશી કપાસ ઉત્પાદકોને ભારે નુકસાન થશે.