કોલકાતા એરપોર્ટના રનવે પર મસ્જિદ કેવી રીતે?

કોલકાતાઃ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટોમાંનું એક કોલકાતા સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પોતાના બીજા રનવેના નિર્માણને લઈને મોટા વિવાદના કેન્દ્રમાં છે. આ રનવેના નિર્માણમાં એક મસ્જિદ અવરોધ બની રહી છે, જેને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)એ મુસાફરોની સુરક્ષા માટે ગંભીર જોખમી ગણાવી છે.

કોલકાતા એરપોર્ટના આધુનિકીકરણ અને વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે, જેનો હેતુ તેની યાત્રક્ષમતા બમણી કરવા છે. ઉડાનની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બીજા રનવેની તાત્કાલિક જરૂરિયાત છે. પરંતુ મસ્જિદ હટાવવાને મુદ્દે AAIને રાજ્ય સરકાર તરફથી કોઇ સકારાત્મક જવાબ મળ્યો નથી. બીજી તરફ હવે ભાજપે પણ આ મુદ્દે મમતા સરકારને ઘેરી છે. ભાજપના પ્રવક્તા અમિત માલવિયાએ આ મુદ્દો ઉઠાવતાં મમતા સરકાર પર તુષ્ટીકરણનો આરોપ મૂક્યો છે.

ભાજપનું કહેવું છે કે રાજ્ય સરકાર ધાર્મિક લાગણીઓને રાષ્ટ્રીય સુરક્ષા અને મુસાફરોની જાનથી ઉપર રાખી રહી છે અને આ એક બેદરકારી ભરેલો નિર્ણય છે. અમિત માલવિયાએ પોતાના X હેન્ડલ પર લખ્યું છે કે ભાજપ બંગાળ પ્રદેશ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્યે રાજ્યસભામાં એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો કે કોલકાતા એરપોર્ટના ઓપરેશનલ વિસ્તારમાં આવેલી મસ્જિદ વિશે અને હવે સરકારે તેને સત્તાવાર રીતે અવરોધ તરીકે સ્વીકારી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્વીકાર્યું છે કે એક મસ્જિદ બીજા રનવેની નજીક આવેલી છે અને તે સુરક્ષિત કામગીરીમાં અવરોધ ઊભો કરે છે, જેને કારણે રનવે થ્રેશોલ્ડ 88 મીટર ખસકી ગયું છે. જ્યારે પહેલો રનવે ઉપલબ્ધ ન હોય ત્યારે આ સ્થિતિ રનવેના ઉપયોગને અસર કરે છે. મુસાફરોની સુરક્ષાને તુષ્ટીકરણના રાજકારણ માટે બલિ ચઢાવી શકાય નહીં. મમતા બેનર્જીએ આ સમજવું જોઇએ.