અમદાવાદની ગુફામાં વનરાજ અને વન્ય જીવનનો તાદશ અનુભવ

અમદાવાદ: અમદાવાદની ગુફા કહીએ એટલે તરત જ સેપ્ટ યુનિવર્સિટી અને કનોરિયા આર્ટ સેન્ટર નજર સમક્ષ દેખાય. અત્યારે આ ગુફામાં આબેહુબ સિંહો અને વન્યજીવોના ચિત્રોનું અનોખું પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રદર્શનની શરૂઆતે જ એક ખ્યાતનામ કલાપ્રેમીએ કહ્યું ખરેખર વન્યજીવોનું આ પ્રદર્શન સ્થળ નેશનલ જીઓગ્રાફી જોઇ રહ્યા હોય એવું લાગે છે. કારણ વન્યજીવોના પ્રદર્શનની અંદર-બહાર વન અને વનરાજીનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. શહેરની આ આર્ટ ગેલેરીમાં અનેક પ્રદર્શનો થાય છે. પરંતુ કલાકારે અમદાવાદની ગુફામાં વન, વનરાજ અને એની આસપાસનું જીવન તમામને પોતાની કલાથી પ્રદર્શન સ્થળે પ્રસ્તુત કરવા પ્રયાસ કર્યો છે.

વનરાજ, વન અને વન્યજીવનને ચિત્ર સ્વરૂપે લોકો સુધી પહોંચાડનાર હીરલ અમર શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “હું મૂળ નેચર લવર છું. આ સાથે ચિત્રનો મને નાનપણથી જ શોખ હતો. સ્નાતક તો આર્ટસ વિષયો સાથે કર્યું. પરંતુ શાળા સમયથી જ જુદા-જુદા વિષયો પર ચિત્રો પણ દોરું. લગ્ન પછી ઘણાં સમય સુધી પરિવારમાં વ્યસ્તતા રહી. પરંતુ પરિવારના સહકારથી ફરી એકવાર 2014થી ચિત્રો દોરવાનું શરૂ કર્યું. અત્યાર સુધી ઘણાં ગૃપ શો તેમજ કલા પ્રદર્શનોમાં ભાગ લીધો છે. આ પ્રદર્શનમાં મારી પોતાની જ તૈયાર કરેલી કૃતિઓ છે. દેશ-વિદેશમાં ઘણાં કુદરતી સ્થળો અને જંગલો જોયા બાદ એના પરથી ચિત્રો તૈયાર કરવાનું નક્કી કર્યુ. અઢી વર્ષમાં તૈયાર કરેલા ચિત્રોમાંથી આ પ્રદર્શનમાં 30 જેટલાં ચિત્રો મુક્યા છે.” હીરલબહેન વધુમાં કહે છે, “આ ચિત્રો કેનવાસ ઓઇલ એક્રિલિક પરથી તૈયાર કર્યા છે. સિંહના ચિત્રની ગોલ્ડન ઇમેજ પણ ઉભી કરી છે. આ સાથે જંગલના અન્ય પશુ-પંખી અને માનવ વસવાટને મારા ચિત્રોમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે. સૌથી મહત્વની વાત વન્યજીવો અને એની આસપાસના લોકજીવનને એકદમ બારીકાઇથી જોઉં કેમેરાની જેમ માનસ પટલ પર અંકિત કરું ત્યારબાદ એને કેનવાસ પર ઉતારું. જે આબેહુબ તસવીરો અને ચિત્રોનો સમન્વય લાગે. અત્યાર સુધીની મારી શ્રેષ્ઠ કૃતિઓને કલા રસિકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

અમદાવાદની ગુફામાં હીરલ શાહના ચિત્રોનું પ્રદર્શન 19મી મે, 2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)