બાંગ્લાદેશમાં હિંદુ ઓટો ચાલકની મારપીટ કરીને હત્યા

ઢાકાઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે એક વધુ હિંદુ યુવકની હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ 28 વર્ષીય સમીર કુમાર દાસ તરીકે થઈ છે. રવિવારની રાત્રે ભીડે તેને મારપીટ કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ સાથે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં 13 હિંદુઓની હત્યા થઈ ચૂકી છે. દેશમાં આ હિંસા ભારતવિરોધી વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની મોત બાદ શરૂ થયેલાં ઉગ્ર પ્રદર્શનોને કારણે ફેલાઈ છે.

દાસ ફેની જિલ્લાના ડાગોનભુઈયાં વિસ્તારમાં ઓટો રિક્ષાચાલક તરીકે કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હુમલા બાદ હુમલાખોરો તેનું વાહન લઈને ફરાર થઈ ગયા હતા. 28 વર્ષીય દાસનો મૃતદેહ બાદમાં એક ઉપજિલ્લા હોસ્પિટલ નજીક મળ્યો હતો.

પોલીસે લૂંટ અને હત્યાની આશંકા વ્યક્ત કરી

પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ પરથી આ ઘટના લૂંટ અને હત્યાનો કેસ હોવાનું લાગી રહ્યું છે. તપાસ ચાલુ છે અને હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી. બાંગ્લાદેશમાં છેલ્લા 25 દિવસમાં અનેક હિંદુ યુવકોની હત્યા થઈ ચૂકી છે. 18 ડિસેમ્બરે દીપુ ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી હતી.

બાંગ્લાદેશમાં હિંદુઓ સામે વધતા અત્યાચાર

ગૌરતલબ છે કે લગભગ 17 કરોડની વસ્તી ધરાવતા મુસ્લિમ બહુમતી બાંગ્લાદેશમાં વર્ષ 2024થી પરિસ્થિતિ સતત બગડતી જઈ રહી છે. આ દરમિયાન ઇસ્લામિક કટ્ટરપંથના વધતા પ્રભાવને કારણે હિંદુઓ સહિત અન્ય અલ્પસંખ્યક સમુદાયો પર હુમલાઓ તેજ થયા છે.

ધાર્મિક ભેદભાવ સામે કામ કરતી માનવાધિકાર સંસ્થા ‘બાંગ્લાદેશ હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી યુનિટી કાઉન્સિલ’એ પણ દેશના વિવિધ વિસ્તારોમાં અલ્પસંખ્યકો પર થતા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

હિંદુઓ પર થતા હુમલાઓ અંગે ભારતની ચિંતા

મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર દરમિયાન હિંદુઓ પર થતા અત્યાચારને લઈને ભારતે ગયા અઠવાડિયે આકરી પ્રતિક્રિયા આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમે અલ્પસંખ્યકો તેમ જ તેમનાં ઘરો અને વ્યવસાયો પર અતિરેકવાદીઓ દ્વારા વારંવાર થતા હુમલાઓની ચિંતાજનક શ્રેણી જોઈ રહ્યા છીએ. આવી સાંપ્રદાયિક ઘટનાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે.