પટનાઃ હાઈકોર્ટે કોંગ્રેસને આદેશ આપ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં અવસાન પામેલાં માતા હીરાબહેનનો એક વિવાદાસ્પદ AI-જનરેટેડ વિડિયો દૂર કરવામાં આવે. આ વિડિયો પાર્ટીના બિહાર એકમ દ્વારા સોશિયલ મિડિયા પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પી.બી. બજંત્રીએ પાર્ટીને તમામ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પરથી વિડિયો દૂર કરવાનો આદેશ આપ્યો છે.
બિહાર કોંગ્રેસ એકમે 10 સપ્ટેમ્બરે 36 સેકંડનો વિડિયો પોસ્ટ કર્યો હતો, જેના પર “AI જનરેટેડ” લખેલું હતું. બિહાર કોંગ્રેસ દ્વારા પ્રસારિત આ વિડિયોમાં પીએમ મોદીને સૂતા બતાવવામાં આવ્યા છે, ત્યાર બાદ તેમની માતા હીરાબહેન આવે છે અને તેમને તેમના રાજકારણ પર ઠપકો આપે છે. આ વિડિયોમાં હીરાબહેન કહે છે, અરે બેટા, પહેલા તો તું મને નોટબંધીની લાંબી કતારમાં ઊભી રાખી. હવે બિહારમાં મારા નામ પર રાજકારણ કરી રહ્યો છે. તું મારા અપમાનના બેનર-પોસ્ટર છપાવી રહ્યો છે. રાજકારણને નામે કેટલું નીચે પડીશ?ભાજપ અને NDAના સાથીદારોએ આ વિડિયોની ટીકા કરતાં કહ્યું હતું કે આ વિડિયો આ વર્ષે અંતે થનારી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ઉશ્કેરણી તરીકે બહાર પાડવામાં આવ્યો છે.
આ સાથે 27 ઓગસ્ટે દરભંગામાં કોંગ્રેસ અને રાજદના નેતૃત્વમાં યોજાયેલી વોટર અધિકાર યાત્રા દરમિયાન મંચ પરથી કથિત રીતે વડા પ્રધાન મોદી અને હીરાબેન મોદી વિરુદ્ધ અપશબ્દો સાથેના સૂત્રો પોકારવામાં આવ્યા હતા. વડા પ્રધાન મોદીએ તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટના “અકલ્પનીય” અને “દેશની તમામ માતાઓ-બહેનો અને દીકરીઓનો અપમાન” છે. તેમણે આ વાત પર ભાર મૂક્યો કે તેમની માતાનું રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.
ભાજપ દિલ્હીના ચૂંટણી પ્રકોષ્ઠના સંયોજક સંકેત ગુપ્તા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે દિલ્હી પોલીસએ 13 સપ્ટેમ્બરે વીડિયોની સંદર્ભે કોંગ્રેસ અને તેના આઈટી સેલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.


