હાઇકોર્ટે CM હિમંત બિસ્વા સરમાને પાઠવી નોટિસ

ગૌહાટીઃ હાઇકોર્ટે ગુરુવારે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને નોટિસ ફટકારી છે. જનહિત અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને રાજ્યના અલ્પસંખ્યક સમુદાય સામે હેટ સ્પીચ આપવાથી રોકવા માટે સૂચના આપવામાં આવે.

આ જનહિત અરજીમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાની કથિત હેટ સ્પીચના જાહેર વિડિયો ઉપલબ્ધ હોવા છતાં આસામ પોલીસે સ્વપ્રેરિત રીતે FIR નોંધાવી નથી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્ય મંત્રી વિરુદ્ધ કાર્યવાહી ન થવાને કારણે ભયનું વાતાવરણ સર્જાય છે.અસમિયા વિદ્વાન ડો. હિરેન ગોહેન અને અન્ય બે લોકોએ આ જનહિત અરજી દાખલ કરી છે, જેમાં મુખ્ય મંત્રી હિમંત સરમાને કથિત ઘૃણાસ્પદ ભાષણ આપવા અને અલ્પસંખ્યક સમુદાયો સામે નાગરિકોને કાયદો પોતાના હાથમાં લેવા માટે ઉશ્કેરતાં નિવેદનો આપવાથી રોકવા માટે દિશા-નિર્દેશોની માગ કરવામાં આવી છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે સરમા સામે કથિત હેટ સ્પીચ મુદ્દે કાર્યવાહી કરવાની માગ કરનાર અરજદારોને હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવવા કહ્યું હતું.

આ મામલાની સુનાવણી બાદ મુખ્ય ન્યાયમૂર્તિ આશુતોષ કુમાર અને ન્યાયમૂર્તિ અરુણ દેવ ચૌધરીની ખંડપીઠે ભારત સરકાર આસામ રાજ્ય, ઉપમુખ્ય મંત્રી અને મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને નોટિસ જારી કરવાની વાત કહી હતી. કોર્ટે આંતરિક રાહત માટેની અરજી પર પણ નોટિસ જારી કરી. જ્યારે અરજદારો દ્વારા મુખ્ય મંત્રીને નિવેદન આપવા પરથી અટકાવવા માટે તાત્કાલિક આદેશની માગ કરવામાં આવી, ત્યારે કોર્ટે મૌખિક રીતે જણાવ્યું હતું કે આ તબક્કે પહેલા નોટિસ જારી કરવામાં આવે. અરજી પર વિચારણા ચાલુ રહે ત્યાં સુધી સામાન્ય પ્રકારનો પ્રતિબંધ લાગુ રહેશે. મુખ્ય અને આંતરિક બંને પ્રાર્થનાઓ માટે નોટિસ જારી કરવામાં આવશે. બિહુની રજાઓ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. કોર્ટે આ તબક્કે ભાજપને નોટિસ જારી કરવાની જરૂરિયાત નથી એવું પણ જણાવ્યું હતું.