હમાસ તમામ ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે, ગાઝા શાંતિ કરાર મંજૂર

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી છેવટે અસરકારક સાબિત થઈ છે. હમાસે જાહેરાત કરી છે કે તે તમામ ઇઝરાયલી બંધકોને — ભલે તેઓ જીવતા હોય કે મૃત — મુક્ત કરવા તૈયાર છે. એ સાથે જ તેણે કહ્યું છે કે ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા માટે ટ્રમ્પે રજૂ કરેલા 20 સૂત્રોના ફોર્મ્યુલાને તે ટેકો આપે છે.

વાસ્તવમાં ટ્રમ્પે હમાસને ચેતવણી આપી હતી કે જો રવિવાર સાંજના છ વાગ્યા સુધીમાં તમામ બંધકોને છોડવામાં નહીં આવે તો નરકના બધા દરવાજા હમાસ માટે ખોલી દેવામાં આવશે અને વિનાશનો સામનો કરવો પડશે, જે તેણે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં જોયો હોય.

ચર્ચા શરૂ કરવા હમાસ તૈયાર

પેલેસ્ટિની આતંકવાદી સંગઠને એક નિવેદનમાં કહ્યું હતું કે તે આ મામલાની વિગતો પર ચર્ચા કરવા માટે મધ્યસ્થો મારફતે તરત જ વાતચીત શરૂ કરવા તૈયાર છે. જો આ પગલું સફળ થશે  તો ઓક્ટોબર, 2023માં ઇઝરાયલ પર થયેલા હુમલા દરમિયાન બંધક બનાવાયેલા લોકોની મુક્તિ માટે ચાલી રહેલા મહિનાઓના પ્રયત્નોમાં આ સૌથી મોટું પગલું સાબિત થશે.

હમાસે એ વાતનું પણ પુનરાવર્તન કર્યું હતું કે તે ગાઝાનું વહીવટ સ્વતંત્ર ટેક્નિકલ નિષ્ણાતોની એક પેલેસ્ટાઇનની સંસ્થાને સોંપવા તૈયાર છે. આથી એ સંકેત મળે છે કે તે એક આંતરિક તાત્કાલિક શાસન માળખું સ્વીકારવા તૈયાર છે, જે સંગઠનના સીધા નિયંત્રણને બાજુએ મૂકી શકે છે.

હમાસે ટ્રમ્પ તથા આરબ, ઇસ્લામિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોનો જાહેર આભાર માન્યો છે. હમાસના નિવેદન પછી ટ્રમ્પે ઇઝરાયલને ગાઝામાં બોમ્બબારી તરત જ રોકવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે આતંકી સંગઠન હવે શાંતિ માટે તૈયાર છે, કારણ કે તેણે તેમની મધ્ય પૂર્વ યોજના સ્વીકારી છે.