રાજકોટમાં બનેલી માનવ સર્જીત સૌરાષ્ટ્રની સૌથી મોટી દુર્ઘટના બાદ, હવે રાજકોટ તંત્ર સજ્જડ સજાગ બન્યું છે. આવનાર જન્માષ્ટમીના તહેવારોમાં ઠેરઠેર યોજાતા મેળાઓમાં મોટી રાઈડ્સ મામલે રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. આ SOPને લઈને રાજકોટ લોકમેળામાં રાઈડ્સ લગાવવા ઈચ્છુક સંચાલકોએ SOPમાં આંશિક રાહત મળે તેવી માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેના પર હાઈકોર્ટની પ્રથમ સુનાવણીમાં SOPને લઈ કોઈ બાંધછોડ કરવાની ઈન્કાર કર્યો છે. જેના પગલે હવે સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો રાઈડ્સ વગર જ યોજાઈ તેવી શક્યતા છે.
રાજકોટમાં TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ ગુજરાત સરકાર સહિત હાઈકોર્ટ પણ સુરક્ષાને લઈ આકરું વલણ અપનાવ્યુ છે. એવામા જન્માષ્ટમીના તહેવારોમાં ઠેરઠેર યોજાતા લોકમેળામાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે રાજ્ય સરકારે મોટી યાંત્રિક રાઈડ્સ માટે એક SOP જાહેર કરી છે. ત્યારે આ SOPને લઈને તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ વહીવટી તંત્ર કોઈ બાંધછોડ કરવા ઇચ્છતું ન હોવાથી સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. તેવામાં આ SOP સંદર્ભે રાજકોટ લોકમેળામાં યાંત્રિક રાઈડ્સના સંચાલકો SOPમાં આંશિક રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તો બીજી બાજું હાઈકોર્ટમાંથી સ્પષ્ટતા ન આવે ત્યાં સુધી રાઈડ્સનું કામ તંત્રએ અટકાવી દીધું હતું. દરમિયાન આ અંગે આજે પ્રથમ સુનાવણી થઇ હતી જેમાં કોર્ટે કોઈપણ છૂટછાટ આપવાની મનાઈ કરી દીધી હતી. જે અંગે વધુ સુનાવણી આગામી 27મીએ થવાની છે.