રાજકોટ અગ્નિકાંડમાં 27 માસૂમ લોકોના જીવ હોમાયા હતા. જે બાદ રાજ્ય સરકાર પાસે પિડીત પરિવાર ન્યાયની માગ વારંવાર લગાવી રહ્યું છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડના પિડીત પરિવારો સાથે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી. જે બાદ આજે રાજકોટમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પીડિત પરિવારોને સાથે રાખી એક પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે પીડિત પરિવારોને રાહુલ ગાંધી મળ્યા અને જરૂર પડ્યે યોગ્ય સમયે સાંસદમાં પણ મુદ્દો ઉઠાવશે એવું કહેતાં ભાજપ સરકારને પીડિત પરિવારોની યાદ આવી અને તેમને બોલાવી માત્ર આશ્વાસન આપી આવેદન સ્વીકાર્યું હતું. ત્યારે પત્રકાર પરિષદમાં એક પિડીત પરિવારના સભ્ય કહ્યું કે મુખ્યમંત્રી સાથેની મુલાકત બાદ અને સંતોષ નથી.
પીડિત પરિવારના તુષાર ધોરેચાએ જણાવ્યું હતું કે મારા ભાઈનો જીવા આ અગ્નિકાંડમાં ગયો છે. ભાજપના કોર્પોરેટરથી લઈ ધારાસભ્ય કે સાંસદ સુધી કોઈને અમારી યાદ આવી નથી. રાહુલ ગાંધી અમને મળ્યા એટલે દોઢ મહિના બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમને મળ્યા છે. અમે તેમની સમક્ષ અલગ 12 મુદ્દાની રજૂઆત તેમના સમક્ષ મૂકી છે. અમે 10 પરિવારે સહી કરી આ 12 મુદ્દાની રજૂઆત ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને લેખિતમાં કરી છે. હજુ સુધી અમારી કોઈ માગ સંતોષવામાં આવી નથી. માત્ર અમને મળવા ખાતર મળી આશ્વાસન આપી દીધું છે. અમને લાગતું નથી કે સરકાર અમારી માગણી પર કોઈ કામ કરી અમને ન્યાય આપે..
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ વીડિયો-કોન્ફોરન્સ માધ્યમથી પીડિત પરિવારો સાથે સંવાદ કર્યો, રૂબરૂ મુલાકાત કરી એટલે પછી પીડિત પરિવારોને મુખ્યમંત્રી આવાસ ખાતે બોલાવવામાં આવ્યા, પણ તેમને સાંભળવામાં આવ્યા નથી અને તેમને બોલવા દેવામાં આવ્યા નથી. માત્ર તેમની મજાક બનાવવા માટે જ પીડિત પરિવારોને ત્યાં બોલાવ્યા હતા. પીડિત પરિવારોની જે માગ છે એ સંતોષવા માટે કોઈ ખાતરી આપવામાં આવી નથી. ગરીબ પીડિત પરિવારોની માત્ર મજાક બનાવવામાં આવી છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી કે ગૃહમંત્રી પીડિતોને ન્યાય આપવા માગતા નથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
જ્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે રાજકોટ TRP અગ્નિકાંડ સહિત રાજ્યમાં બનેલા તમામ મોટા માનવ સર્જીત કાંડના પીડિત પરિવારોને સાથે રાખી ન્યાય માટે આગામી 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન મોરબીથી શરૂ કરી અમદાવાદ સુધીની ન્યાય પદયાત્રા યોજવામાં આવશે. આ ન્યાયયાત્રામાં દેશભરમાંથી નેતાઓ જોડાશે. રાહુલ ગાંધી પણ આ ન્યાયયાત્રામાં જોડાઈ એવી પૂરી શક્યતા છે.