ભાજપના આ નેતાએ રામ મંદિર માટે કઈ પ્રતિજ્ઞા લીધેલી?

‘જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી હું મિઠાઈ નહીં આરોગુ’. આ પ્રણ લગભગ ત્રીસેક વર્ષ પહેલા ભાજપના એક વરિષ્ટ નેતાએ લીધા હતા. આજે જ્યારે સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત ભાજપના પીઢ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની એક અનોખી પ્રતિજ્ઞાની વાત યાદ કરીએ.

જય શ્રી રામ..રાજા રામના નારા દેશભરમાં ગુંજી રહ્યાં છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ હર્ષોઉત્સવની ઉજણવી મહિનાઓ પહેલા શરૂ થઈ ગઈ છે. આજે જે ધર્મોઉત્સવ ઉજવાઈ રહ્યોં છે એના બીજ તો દાયકાઓ પહેલા રોપાયા છે. જેમાં કોઈએ પ્રત્યક્ષ રીતે તો કોઈએ પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપ્યું છે. જેમાં એક નામ ભાજપના સિનિયર નેતા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું પણ છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહે છે, 25 સપ્ટેમબ્ર 1990માં રામમંદિરના નિમાર્ણ માટે ભાજપના આગેવાન લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા નિકાળી હતી. જેમાં હું પણ જોડાયો હતો. આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદે જનજાગૃતિનું કામ મને સોપ્યું હતું. આ યાત્રાની ધોળકામાં જન જાગૃતિની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મારે બધા સાથે વાત કરવાની હતી. મે પહેલેથી કોઈ વાત નક્કી નહોતી કરી. ત્યાં જમણવાર પણ હતો. જમવાની થાળીમાં મીઠાઈ જોઈને મે કહ્યું કે આ મીઠાઈ લઈ લો, ત્યારે ત્યાં હાજર અન્ય કોઈએ ટીખળ કરતા કહ્યું કે આજ પુરતી જ લેવાની છે કે…એમના અધુરા વાક્યને પુર્ણ કરતા મે નક્કી કર્યુ કે જ્યાં સુધી અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર નહીં બને ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉં.

વધુમાં ભૂપેન્દ્રસિંહ કહે છે, મારી માતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એમણે ખુબ ગર્વ અનુભવ્યો અને સાથે મને એમ પણ કહ્યું કે તને તો મીઠાઈ ખુબ ભાવે છે. મારા માટે દર રવિવારે ઘરે ખાસ મીઠાઈ બનાવવામાં આવતી. પણ નક્કી કર્યુ તો કરી જાણ્યું.

ગુજરાત ભજપના આ નેતાએ 40 વર્ષની ઉંમરે રામમંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની બાધા રાખી હતી. જે આજથી 4 વર્ષ પહેલા એટલે કે 9 નવેમ્બર 2019ના રોજ રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો ત્યારે ભૂપેન્દ્રસિંહને એમની 92 વર્ષની માતાએ મીઠાઈ ખવડાવતા કહ્યું દીકરા, તારી બાધા આજે પૂરી થઈ.