શહેરોમાં પાણીજન્ય, મચ્છરજન્ય રોગચાળો વકર્યોઃ 17નાં મોત

 અમદાવાદઃ રાજ્યભરમાં આંખ આવવાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે રાજ્યનાં  શહેરોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ અને વરસાદી પાણી ભરાઈ રહેવાને પગલે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં જુલાઈમાં ઝાડા-ઊલટીના ૧૧૩૯ કેસ નોંધાયા હતા. આ સાથે શહેરમાં ડેન્ગ્યુના ૧૭૪, મેલેરિયાના ૮૧, ચિકનગુનિયાના નવ તથા ઝેરી મેલેરિયાના ત્રણ કેસ નોંધાયા હતા. ટાઇફોઇડના ૪૫૧ તથા કમળાના ૧૬૬ તથા કોલેરાના છ કેસ નોંધાયા હતા. શહેરમાં સોલા સિવિલ હોસ્પટલમાં OPD 2200ને પાસ થઈ છે. સોલા સિવિલમાં હાલ 648 દર્દીઓ દાખલ થયા છે.

મ્યુનિ.ના હેલ્થ-મેલેરિયા વિભાગ તરફથી શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં આવેલા કોમર્શિયલ એકમમાં મચ્છર અને મચ્છરના પોરા શોધવા તપાસ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના કહેવા મુજબ આ તપાસ સમયે ૭૨૫ એકમની તપાસ કરી ૪૪૮ એકમને નોટિસ આપી રૂ. નવ લાખથી વધુ રકમનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. શહેરમાં એક લાખ જગ્યાએ મચ્છરોનું બ્રિડિંગ મળ્યું હોય છે.

રાજકોટમાં ચોમાસાના માહોલ વચ્ચે સીઝનલ રોગચાળો વકરતો જાય છે. છેલ્લા સપ્તાહમાં ડેંગ્યુનાં બે, મેલેરિયાનો એક, શરદી-ઉધરસ તેમ જ તાવનાં 370 મળી કુલ 579 કેસ નોંધાયા છે. જોકે ખાનગી દવાખાનાં અને હોસ્પિટલમાં તાવ, શરદી અને ઉધરસ સહિતના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો છે. તેમાં પણ અઠવાડિયાથી કન્જક્ટિવાઇટીસે (આંખ આવવાના રોગે) પણ લોકોમાં વકર્યો છે. છેલ્લા અઠવાડિયામાં ડેંગ્યુના બે સહિત રોગચાળાના પોણા છસ્સો જેટલા દર્દીઓ ચોપડે નોંધાયા છે, પરંતુ ખાનગી દવાખાનાઓ અને ક્લીનીક મળી આ દર્દીઓની સંખ્યા 1000 કરતાં વધુ હોવાની શક્યતા છે.

વધુમાં, આ સપ્તાહમાં સીઝનલ શરદી, ઉધરસના 314, સામાન્ય તાવના 56 અને ઝાડા-ઉલટીના 206 જેટલા દર્દીઓ નોંધાયા છે. 2023માં અત્યાર સુધીમાં શરદી, ઉધરસના 9177, તાવના 1209 તેમ જ ઝાડા-ઊલટીના 2943 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. સુરત શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. શહેરના મગદલ્લાના યુવક અને પાલની મહિલાનું મોત થયું હતું. ઝેરી મેલેરિયા, કોલેરા સહિતના કેસના કારણે શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં રોગચાળાના કારણે 17 લોકોનાં મોત થયાં છે.