અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત વધી રહેલા કેસોને જોતા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઇ છે. અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સર્વગ્રાહી રીતે પગલા લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં 3જી મેના રોજ સવારે 10:30 કલાકે તમામ ગામોમાં એકસાથે એક સમયે સેનિટાઈઝેશન હાથ ધરાશે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે નાની નાની બાબતોનું ધ્યાન રાખીને જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાઈ છે. તેના ભાગરૂપે પ્રજા અને તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તમામ ગામોમાં એકસાથે સેનીટાઇઝેશન હાથ ધરાનાર છે. આ કામગીરી સંપૂર્ણપણે lockdownના નિયમો તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને હાથ ધરાશે જેથી જેનું ઇચ્છિત પરિણામ મળી શકે. કોરોનાનું સંક્રમણ અટકાવવા આ પ્રકારની એગ્રેસીવ કામગીરી સૌપ્રથમ વખત યોજાઈ રહી છે.
