સુરતઃ ગ્રીનમેન તરીકે ઓળખાતા સુરતના વિરલ દેસાઈ તેમજ સુરતની એસવીએનઆઈટીના સંશોધક દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સુરત જેવા મહાનગરોમાં અર્બન ફોરેસ્ટના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
એસવીએનઆઇટીના સંશોધક યુગ્મી પટેલે કહ્યું કે, શહીદ સ્મૃતિવનમાં જે વૃક્ષોની પસંદગી કરવામાં આવી છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અર્બન ફોરેસ્ટ બનાવતી વખતે સ્થાનિક પ્રજાતિના વૃક્ષોની પસંદગી કરવી જોઈએ. અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે શહીદ સ્મૃતિવનમાં PM10ના સ્તરમાં 18.85% અને PM2.5ના સ્તરમાં 10.66%નો ઘટાડો થયો છે.
આનાથી શહેરની મોટી વસ્તીના સ્વાસ્થ્યને લાભ મળ્યો છે. આ સંશોધન માટે ઉધના વિસ્તારમાં આવેલા શહીદ સ્મૃતિવન (અર્બન ફોરેસ્ટ ) પર ત્રણ મહિના સુધી અભ્યાસ કરવામાં આવ્યો હતો. એક ગેજેટ આ વનમાં અને એક ગેજેટ ત્યાંથી થોડે દૂર રાખવામાં આવ્યું હતું. આ ફોરેસ્ટના કારણે ઉથના વિસ્તારની હવામાં રહેલા ઝેરી તત્વોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ સંદર્ભમાં વિરલ દેસાઈએ કહ્યું કે, “દિલ્હી અને લાહોર જેવા શહેરોની હાલત જોતાં સ્પષ્ટ છે કે આપણે વધુને વધુ અર્બન ફોરેસ્ટ બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. આનાથી શહેરોના પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળશે અને શહેરોનું તાપમાન પણ ઘટાડવામાં મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા આ અર્બન ફોરેસ્ટ વર્ષ 2019માં બનાવવામાં આવ્યું હતું. આ ફોરેસ્ટમાં 19000 ચોરસ ફૂટની જગ્યામાં 1500થી વધુ સ્થાનિક પ્રજાતિના વૃક્ષો વાવવામાં આવ્યા છે. વિરલ દેસાઈએ છેલ્લા પાંચ વર્ષમાં સાત અર્બન ફોરેસ્ટ બનાવ્યા છે, અને 6,50,000 વૃક્ષો વાવ્યા છે.