અમદાવાદઃ દેશમાં અંધશ્રદ્ધાને નામ કંઈ પણ તિકડમ ચાલે છે. રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના રોગચાળામાં એક બાજુ લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા. લોકોની આજીવિકા જતી રહી છે. ત્યારે બીજી બાજુ સાણંદમાં એક મંદિરમાં જળ ચઢાવવાના ઉત્સવને નામે હજારો લોકો એકઠા થયા હતા આ લોકોએ કોરોના પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. પોલીસ મૂક પ્રેક્ષક બની રહી હતી. પરંતુ આ વિડિયો વાઇરલ થતાં પોલીસે 23 લોકોની ધરપકડ કરી હતી.
સાણદનાં નિધરાડ અને નવાપુર ગામમાં આવેલા બળિયાદેવ મંદિરે પાણી ચડાવવાનો ધાર્મિક પ્રસંગની ઉજવણીમાં હજારોની સખ્યામાં ભીડ ઊમટી પડી હતી. જેનો વિડિયો ઘણો જ વાઇરલ થઇ રહ્યો છે. આ ઉત્સવમાં સામેલ મહિલાઓએ માસ્ક નહોતા પહેર્યો અને ન તો સામાજિક અંતરનું પાલન કર્યું.
જોકે સાણંદમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાથી ઘણા લોકોનાં મોત થયાં છે. એટલે સાણંદ તાલુકાના નિધરાડ ગામે અંધશ્રદ્ધાને નામે પણ મોટી સંખ્યામાં ગ્રામજનોએ બળિયાદેવના મંદિરે ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. જેમાં મહિલાઓ માથે પાણી ભરેલા બેડા લઇને બળિયા બાપજીનાં મંદિરે જતા હતા અને પુરુષોએ મંદિરની ઉપર બેડાના પાણીથી અભિષેક કર્યો હતો. ગામના સરપંચ ભિખાજીએ કહ્યું હતું કે ભુવાએ મને એવું કહ્યું છે કે 50-100 માણસો આવીને મારા સ્થાનક ઉપર પાણી રેડો, મને ટાઢો કરો. એટલે ગામમાં બધું સુખ-શાંતિ કરી નાખું છું. 15 દિવસમાં ગામના 30 માણસ મરી ગયા. પણ આ કર્યા પછી આપણને શાંતિ થશે.