અમદાવાદઃ હોસ્પિટલનું નામ પડે એટલે દર્દી, ડોકટર્સ, નર્સ અને દવાઓ જેણે જે અનુભવ્યું હોય એ નજર સામે ફરવા માંડે અને એમાંય સરકારી હોસ્પિટલની છાપ માણસોના મગજમાં કંઇક અલગ જ હોય છે, પરંતુ અમદાવાદમાં ગુજરાત સરકારે સિવિલ હોસ્પિટલને ઉચ્ચ કક્ષાની સાધનસામગ્રી -ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરી છે. આમેય અમદાવાદ સિવિલ હોસ્પિટલનું દેશ અને દુનિયામાં નામ છે. કોરોનાની મહામારી પછી સિવિલના બિલ્ડિંગ્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ, સ્ટાફથી વધુ મજબૂત અને લોકોને ઉપયોગી થાય એવા પ્રયાસ થયા છે. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ રોગીને નીરોગી બનાવવાના પ્રયત્નો તો કરે જ છે. આ સાથે સમગ્ર વોર્ડને સજાવી તહેવારો અને ઉત્સવો પણ ઊજવે છે. જેથી અસહ્ય દર્દથી પીડાતા દર્દીઓમાં એક નવી આશા જન્માવી શકાય.
આ વર્ષે પણ સિવિલ હોસ્પિટલના જુદા-જુદા વિભાગમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. 1200 બેડની હોસ્પિટલ તરીકે જાણીતી વુમન એન્ડ ચાઇલ્ડ સ્પેશ્યાલિટી વિભાગને નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓઓએ સજાવ્યો છે.
હોસ્પિટલના નર્સિંગ સ્ટાફનાં કર્મચારી હેમા બેલારમાણી ચિત્રલેખા.કોમને કહે છે, અમારો આખોય સ્ટાફ દિવાળીનો ઉત્સવ દર્દીઓ સાથે મનાવે છે. સ્ટાફના તમામ સભ્યો હોસ્પિટલના વોર્ડને સજાવવામાં મદદ કરે છે. દર્દીઓને માહિતી અને જ્ઞાન મળે એવાં ચિત્રો દોરી સમજણ આપીએ છીએ. આ સાથે દીપોત્સવીની રંગબેરંગી રંગોળી પૂરી સૌને સકારાત્મક ઊર્જા આપવાનો પ્રયાસ કરીએ છીએ.
સિવિલ હોસ્પિટલમાં રંગબેરંગી તોરણ, માહિતી સભર ચિત્રો અને રંગોળી સાથે દિવાળીની ઉજવણી થઈ રહી છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)