રેલવે પ્રધાને ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતેના હોટલ પ્રોજેક્ટની મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી રશિયાનો પ્રવાસ પૂર્ણ કરી અમદાવાદ આવતાં વેત જ તેમણે કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ સાથે ગાંધીનગર રેલવે સ્ટેશન પર નિર્માણ પામી રહેલા હોટલ પ્રોજેકટની નિરીક્ષણ મુલાકાત કરી હતી.

કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ અને મુખ્યપ્રધાને આ પ્રોજેકટ ઝડપી પૂર્ણ થવાની દિશામાં કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા હતા.

મુખ્યપ્રધાનના અગ્ર સચિવ એમ.કે.દાસ તથા આ પ્રોજેકટ સાથે સંકળાયેલા વરિષ્ઠ ઇજનેર અધિકારીઓએ કેન્દ્રીય પ્રધાનને પ્રોજેકટ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી.

હોટલ, મોલ, શોપીંગ સેન્ટર, થીયેટર સહિતની સુવિધાઓ ધરાવતા ગાંધીનગર ખાતે રેલવે સ્ટેશન વર્લ્ડ કલાસનું બનવા જઇ રહ્યું છે. ભારતમાં પહેલીવાર રેલ્વેસ્ટેશન પ્લેટફોર્મ અને પરિસર ઉપર 70 મીટર ઊંચાઈ સાથે ગાંધીનગરમાં આકાર પામશે. ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ અંતર્ગત આ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ છે.