વિધાનસભાના બજેટ સત્રમાં આવતી કાલે રજૂ થશે બજેટ  

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્ર શરૂ થયું છે નાણા મંત્રી કનુ દેસાઈ આવતી કાલે બીજી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. બજેટમાં માત્ર આગામી વર્ષ માટેનું નથી, પરંતુ આગામી 25 વર્ષ માટે ગુજરાતના વિકાસનો રોડમેપ હશે. રાજ્ય સરકાર અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપવાનો પ્રસ્તાવ લાવવાની છે, એમ વિધાનસભા અને સંસદીય બાબતોના પ્રધાન ઋષિકેશ પટેલે બુધવારે જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે અયોધ્યામાં જમીન ખરીદી છે જ્યાં રાજ્યના લોકો રામ મંદિરનાં દર્શન કરવા આવે ત્યારે ઉત્તર પ્રદેશના શહેરમાં રહી શકે તેવી સુવિધા બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે  23 દિવસના બજેટ સત્રમાં ગૃહની 25 બેઠકો જોવા મળશે. પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહને સંબોધિત કર્યું હતું.

આ બજેટ સત્રમાં ગુજરાત જળસંપતિ વિકાસ નિગમના વાર્ષિક અહેવાલ, ગુજરાત મેટ્રો કોર્પોરેશનનો વાર્ષિક અહેવાલ, નવસારી કૃષિ યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ, ગુજરાત રાજય નાણાકીય નિગમનો વાર્ષિક ઓડિટ અહેવાલ, ઉપરાંત 2024નું ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. વિધાનસભાના સત્ર દરમિયાન 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે વૈધાનિક અને સંસદીય બાબતના વિભાગ દ્વારા આ માટેના ડ્રાફ્ટ આજે કેબિનેટમાં મૂકવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં ૧૫ હપ્તામાં કુલ રૂપિયા ૧૫,૪૦૭.૮૨ કરોડની રકમ ૬૪.૧૩ લાખ લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે.બજેટ સત્ર દરમિયાન સરકાર સાતથી આઠ બિલ પસાર કરવા માટે લાવે તેવી પણ શક્યતા છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેક્નોલોજી પ્રદાન કરવાના હેતુથી રાજ્યમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં તથા નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર અને કાંકરેજ તાલુકાઓનાં ગામોને બે નવી પાઈપલાઇન યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી 15,000 હેક્ટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો લાભ થશે.સરદાર સરોવર નર્મદા યોજનાની વડોદરા, મિયાગામ, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર ઉપર જુદી જુદી જગ્યાએ લઘુ વીજમથકોના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ વીજ મથકોથી 85.46 મેગાવૉટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે.