ખૂલે છે સ્ત્રીઓના એક અનોખા વિશ્વનો ચોથો દરવાજો…

અમદાવાદ: સ્ત્રીઆર્થ એટલે સ્ત્રીઓ માટેનું, સ્ત્રીઓ દ્વારા રચાયેલું વાર્તાવિશ્વ… અત્યાર સુધી આ પહેલના ત્રણ સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આ ચોથો સંગ્રહ એટલે સ્ત્રીઆર્થ ભાગ ચાર. આ સંગ્રહમાં ગુજરાતી સ્ત્રીલેખકો દ્વારા લખાયેલી 60 વાર્તાઓનો સંચય છે. આ સ્ત્રીલેખકો ભારત ઉપરાંત 5 દેશોમાં વસે છે ને મોટાભાગે નવોદિતો છે. આ પહેલ માટે સર્જક પ્રતિભા ઠક્કરને લાડલી મીડિયાનો જેન્ડર સેન્સીટીવીટી અને જેન્ડર કન્સર્નનો એવોર્ડ મળ્યો છે.

પ્રતિભાબહેન chitralekha.comને જણાવે છે કે મૂળ તો મેં 2009માં લઘુકથા લખેલી જેમાં એક માતા અસાધ્ય બીમારીથી પીડાતા પોતાના બાળકને ખૂબ પુરુષાર્થ કરીને જીવતો રાખતો, પછી એને અનુભવાય છે કે મારી આ મહેનતને પુરુષાર્થ શું કામ કહેવું? એને સ્ત્રીઆર્થ ન કહી શકું? આ શબ્દને વધારે પ્રકાશમાં લાવવો જોઈએ એમ પણ મને લાગ્યું. સ્ત્રીઆર્થ પુરુષાર્થની વિરોધમાં નહીં પણ સમાંતર રીતે ગણાવવો જોઈએ. ઘૂંટાતા-ઘૂંટાતા આ વિચારે જ 2015માં નવોદિત સ્ત્રીલેખકોની વાર્તાઓનું સંપાદન કરી આ નામે પુસ્તક કરવાની પ્રેરણા આપી જે સ્ત્રીઆર્થ સંપાદનનો પહેલો ભાગ હતો. પછી તો લોકપ્રિયતા મળતી રહી ને લોકોની માગ આવતી રહી એટલે આ ચોથો ભાગ પણ સફળતાપૂર્વક થયો છે.

સ્ત્રીઆર્થના અત્યાર સુધીના ત્રણ ભાગમાં 93 વાર્તાઓ પ્રકાશિત થઈ છે ને ચોથા ભાગમાં 60 વાર્તાઓ છે. આમ અત્યાર સુધી આ પહેલમાં કુલ 92 સ્ત્રીલેખકોની વિવિધ જિનરની, વિવિધ વિષયમાં લખાયેલી કુલ 153 વાર્તાઓ પ્રકાશિત થઈ છે.

આ કાર્યક્રમ સાથે વિશેષ નોંધ ઉમેરીએ તો આ વાર્તાઓની એક અવલોકન પુસ્તિકા બકુલા ઘાસવાલા તૈયાર કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાતી લેખક મંડળના પ્રમુખ મનીષી જાની અધ્યક્ષ સ્થાને રહેશે. સેજલ બારોટ લિખિત સ્ત્રીઆર્થનાં સમૂહ ગાન,  પ્રતિભા ઠક્કરની  “સ્ત્રીઆર્થ મારી કલ્પના માત્ર નહિ”, પ્રિયંકા જોશીનું પોતાની વાર્તા પરથી બનાવેલું સ્ત્રીઆર્થના પેઇન્ટિંગની રજુઆત, કલ્પના પાલખીવાલાનાં “સ્ત્રીઓની કાર્યદક્ષતા મુખ્યધારામાં લાવવાં ગાંધીનું પ્રદાન” વિષે વક્તવ્ય અને મેઘા જોશી પોતાની લખેલી વાર્તાની એકોક્તિ પણ રજૂ કરશે. 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 4થી 7 દરમ્યાન ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ(ઉસ્માનપુરા અમદાવાદ)માં યોજાશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]