અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક નાગરિકની રાષ્ટ્રભાવનામાં વૃદ્ધિ થાય એવા શુભાશયથી દેશના 75મા આઝાદીની અમૃત મહોત્સવ પર ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. દેશવાસીઓને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર ત્રિરંગો ફરકાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
ગુજરાતના ગૌરવ સમાન હાસ્ય કલાકાર, લેખક, કવિ અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી હાલ ત્રણ મહિનાના અમેરિકા અને કેનેડાના સાંસ્કૃતિક પ્રવાસે છે, તેમ છતાં તેમણે ચાહકો અને પ્રશંસકોને મકાનો પર ધ્વજ ફરકાવવા વિનંતી કરી હતી. આ ઉપરાંત ડો. જગદીશ ત્રિવેદીએ ૧૫ ઓગષ્ટ નિમિત્તે સૈનિકના રાહત ફંડમાં રૂ. પાંચ લાખનું દાન પણ કર્યું છે.
ભારત સરકાર વતી દરેક જિલ્લા કલેક્ટર દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળના નામથી આ ભંડોળ સ્વીકારવામાં આવે છે. ડો. જગદીશ ત્રિવેદી વતી તેમનાં પુત્રવધૂ ડો. ઋષાલી મૌલિક ત્રિવેદી સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર કે. સી. સંપટને રૂ. પાંચ લાખ રુપિયાનો ચેક આપ્યો છે.
આ પ્રસંગે વઢવાણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, નીતાબહેન જગદીશ ત્રિવેદી તેમ જ ઝાલાવાડના બે કર્મનિષ્ઠ શિક્ષકો – ભરતભાઈ દેવૈયા અને કલ્પનાબહેન ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.