‘હર ઘર તિરંગા અભિયાન’ સાથે ‘હર ઘર અંગદાતા’નો સંકલ્પ  

અમદાવાદઃ જીવન એક કીમતી છે અને મૃત્યુ પછીનું જીવન એક આશીર્વાદ છે. મૃત્યુ પછીનું જીવન અંગદાન દ્વારા જ શક્ય છે. દર વર્ષે 13મી ઓગષ્ટે વિશ્વ અંગદાન દિવસ ઊજવાય છે. ભારત વિશ્વમાં સૌથી નીચો અંગદાન દર ધરાવતો દેશ છે. અંગની અછતનું કારણ ખોટી ધારણાઓ અને અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધાઓ અને ખોટી માન્યતાઓ ને લીધી ઘણા લોકો મૃત્યુ પછી પણ તેમના અંગોનું દાન કરવા માગતા નથી.

કોઈ તબીબી તકલીફ કે ઉમરલાયક લોકો જેઓ અંગદાન કરવા માગે છે તેઓ અંગદાન માટે યોગ્યતા ધરાવતા નથી. અંગદાન પ્રત્યારોપણમાં જેમનાં હૃદય, સ્વાદુપિંડ, લીવર, કિડની અને ફેફસાં જેવા મહત્વપૂર્ણ અંગો નિષ્ફળ જતાં હોય તેમને ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. એ અંગદાન મેળવનારને ફરી સામાન્ય જીવન જીવવાની તક આપે છે. અન્ય લોકો માટે, કોર્નિયા અથવા ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ફરીથી જોવાની ક્ષમતા અથવા રિકવરી કે પીડાથી મુક્તિ આપે છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)એ ગુજરાત સાયન્સ સિટીના સહયોગથી શનિવારે વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાયન્સ કોમ્યુનિકેટર્સ, તબીબી વ્યાવસાયિકો અને મીડિયા સભ્યો માટે અંગદાનના મહત્વ અને તે અંગેની પ્રક્રિયા વિશે જાગૃતિ અને સમજ લાવવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમનો હેતુ જાગરુકતા વધારવા અને અંગદાન વિશેની માન્યતાઓને દૂર કરવા, તમામ અંગદાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા, લોકો અને સમુદાયને જીવન બચાવવા માટે પ્રેરિત કરવાનો હતો. જવાહર નવોદય વિદ્યાલય, દહેગામ, હિલવુડ્સ સ્કૂલ-ગાંધીનગરના 1000 જેટલા વિદ્યાર્થીઓ, મેડિકલના વિદ્યાર્થીઓ વી.જે. મેડીકલ સોલા, શિક્ષકો, ડોકટરો અને સરકારી અધિકારીઓએ આ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાંજે 250 ડોકટરો અને તબીબી વ્યાવસાયિકો સાથે એક ઇન્ટરેક્ટિવ સત્રની સાથે સેકન્ડ હેન્ડ ફિલ્મની અલગ સ્ક્રિનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જાણીતા નેફ્રોલોજિસ્ટ ડૉ. મનોજ આર. ગુમ્બરે કહ્યું હતું કે એક અંગદાતા આઠ જેટલા જીવ બચાવી શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે એક વ્યક્તિ હૃદય, લીવર, કિડની, આંતરડા, ફેફસાં અને સ્વાદુપિંડ જેવા અંગોનું દાન કરી શકે છે.

આ ઉજવણીમાં ટૂંકી ફિલ્મ “સેકન્ડ હેન્ડ”ની વિશેષ સ્ક્રીનિંગ યોજવામાં આવી હતી. જેમાં બ્રેઇન ડેડની વિભાવના અને અંગદાનના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વિનય બી. કાંબલેએ વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો હતો કે જેમ આપણે ‘હર ઘર તિરંગા અભિયાન’ સાથે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઊજવીએ છીએ, તેમ આપણે પણ ‘હર ઘર અંગદાતા’ રાખવાનો સંકલ્પ લેવો જોઈએ.

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]