નિવૃત્તિની એ જ સાચી ફેરવેલ હતી..!

વાઈલ્ડ લાઈફનો પેશનેટ હોય એવો કોઇ ફોટોગ્રાફર એક ફોટો માટે કલાકો સુધી રાહ જોઈને બેસે એવું તમે સાંભળ્યું હશે. પોતાની મનગમતી કલાકૃતિનું સર્જન કરવા માટે કોઇ કલાકારે વર્ષો સુધી તપ કર્યું હોય એવું પણ આપણે સાંભળ્યું છે, પરંતુ દૂરદર્શન જેવા સરકારી માધ્યમના કોઇ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ માત્ર ને માત્ર પોતાની પેશન માટે થઈને એક ડોક્યુમેન્ટરી બનાવવા ચાલીસ વર્ષ સુધી રાહ જુએ એવું ક્યાંય સાંભળ્યું છે?

– તો સાંભળો.

આ વાત છે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાંથી પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ-આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયેલા કિશોર જોશીની. એમણે ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી પર બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મની. આ વાત અત્યારે લખવાનું કારણ પણ એ જ છે કે, હમણાં જ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્નથી નવાજવાની માગણીએ ફરીથી જોર પકડ્યું છે. જે મહારાજા માટે નાગરિકોને આજે પણ એટલો જ આદર અને અહોભાવ હોય એમના જીવન પર ડોક્યુમેન્ટરી બનાવવા કોઇ વ્યક્તિ આટલી પેશનેટ હોય એ વાત પણ આનંદ પમાડે આવી છે.

મૂળ અમરેલી જિલ્લાના મોટા સમઢીયાળા ગામના વતની એવા કિશોર જોશીના મનમાં આમ તો છેક 1974 ની આસપાસ એ કોલેજમાં ભણતા હતા ત્યારથી કૃષ્ણકુમારસિંહજી વિશે ફિલ્મ બનાવવાની વાત રમ્યા કરતી. અમદાવાદ દૂરદર્શન કેન્દ્રમાં એ નોકરી કરતા ત્યારે પણ એમના મનમાં સતત એ વાત ઘોળાયા કરતી કે ક્યારેક કૃષ્ણકુમારસિંહજીના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવી. ભાવનગરના શામળદાસ કોલેજના નિવૃત પ્રિન્સિપાલ અને કૃષ્ણકુમારસિંહજીનું જીવનચરિત્ર લખનાર ગંભીરસિંહ ગોહિલ સાથે એમને ભણતા ત્યારેનો ઘનિષ્ઠ નાતો એટલે એ આ જીવનચરિત્ર લખતા ત્યારે પણ પોતે ક્યાંય ઉપયોગી થાય એવા પ્રયત્નો કરતા રહેતા.

મનમાં વર્ષોથી રમતી આ વાતને સાકાર કરવા એમણે વર્ષ ૨૦૧૧માં તેમણે દૂરદર્શનના નિર્દેશક સમક્ષ એક પ્રપોઝલ મૂકી. પ્રપોઝલ તો મૂકી, પણ દૂરદર્શન છેવટે તો સરકારી તંત્ર એટલે એમની પ્રપોઝલની ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ, એક ક્વેરીમાંથી બીજી ક્વેરી એમ ધીમીગતિએ ચાલતી રહી. મે 2014માં એમની નિવૃત્તિનો વખત પણ આવી ગયો, પણ ફાઇલનો વખત ન આવ્યો.

આમ છતાં, કિશોરભાઈ હિંમત ન હાર્યા. નિવૃત્તિનો છેલ્લો મહિનો બાકી હતો ત્યારે ફરી એકવાર એમણે દૂરદર્શનના નિર્દેશક સમક્ષ રજૂઆત કરીને યેનકેન પ્રકારે આ પ્રપોઝલ મંજૂર કરાવી.

પણ આટલું પૂરતું નહોતું. નોકરીના હવે રોકડા વીસેક દિવસ બચેલા. કિશોરભાઈએ ભાવનગર જઇને ફોટોગ્રાફર મિત્ર અજય જાડેજાની મદદ લઇ તાત્કાલિક કામ શરૂ કર્યું. યોગાનુયોગ 19મી મે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મદિવસ અને એ જ દિવસે એમણે શૂટિંગ શરૂ કર્યું. ફક્ત દસ જ દિવસમાં ભાવનગરના નિલમબાગ પેલેસ, દરબારગઢ, મહારાજની સમાધિસ્થળ, બાર્ટન લાઇબ્રેરી, ભાવનગર જિલ્લામાં ગોપનાથ અને સિહોર જેવા બધા જ સ્થળો કે જે મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથે સંકળાયેલા હોય ત્યાં જઇને શૂટિંગ કર્યું. રાજવી પરિવારના શિવભદ્રસિંહજી ઉપરાંત ભાવનગરના દીવાન રહી ચૂકેલા પ્રભાશંકર પટણી પરિવારના દક્ષાબહેન પટ્ટણી, પિયુષભાઈ પારાશર્ય, સંતોષ કામદાર સહિત અનેક લોકોને મળ્યા અને મહારાજા વિશે વાતો કરી.

૩૧ મેના રોજ નિવૃત્ત થયા એ પહેલાં એમની પાસે આ ડોક્યુમેન્ટરી તૈયાર હતી. એ તો ઠીક, નિવૃત્તિ પછી સતત એક મહિના સુધી એમણે નોકરીના શિડ્યુલ પ્રમાણે જ કામ કરીને આ ડોક્યુમેન્ટરી એડિટ કરી. જાણીતા નાટ્યકાર સતીશ વ્યાસ અને એન્કર અર્પિતા પંડ્યાએ એમાં અવાજ આપ્યો છે. છપ્પન મિનિટની આ ડોક્યુમેન્ટરીમાં કિશોરભાઈએ કલાપીનું જાણીતું ગીત ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં… પણ સરસ રીતે વણી લીધું છે. પાછળથી ભાવનગરમાં યોજાએલા એક જાહેર કાર્યક્રમમાં મોરારિબાપુના હસ્તે ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ અને કિશોરભાઇનું સમ્માન પણ કરવામાં આવેલું.

ભાવનગરના લોકોનો પોતાના આ મહારાજા પરત્વેનો પ્રેમ આજે પણ એટલો જ ગાઢ છે. લોકો આજે પણ એમના માટે કેટલો આદરભાવ રાખે છે એ વાત કિશોરભાઇ કહેલા બે પ્રસંગ પરથી જાણવા મળે છે.

એ કહે છે કે પોતે જ્યારે શૂટિંગ કરતી વખતે મહારાજાના સમાધિ સ્થળે ગયા ત્યારે વહેલી સવારે ૯૦ વર્ષના એક માજી દીવો લઇ ને મહારાજાની સમાધિ ફરતે પ્રદક્ષિણા કરતા હતા. વાતચીતમાં એમને ખ્યાલ આવ્યો કે આ માજી તો વર્ષોથી દરરોજ સવારે નિયમિત રીતે અહીં દીવો લઈને પ્રદક્ષિણા કરે છે. એક સામાન્ય નાગરિકનો સદગત મહારાજા પ્રત્યે આવો પ્રમ જવલ્લે જ જોવા મળતી ઘટના છે!

બીજો એક પ્રસંગ છે રિક્ષાવાળા સાથેનો. ભાવનગરમાં કિશોરભાઈ એક દિવસ વહેલી સવારે કાળાનાળા વિસ્તારમાં ચા પીવા જતા હતા. ખિસ્સામાં ફક્ત ચા માટેના વીસ રૂપિયા જ હતા એટલે રીક્ષા કરવાનો તો સવાલ જ નહોતો, પણ એક રિક્ષાવાળો એમને આગ્રહ કરીને અક્ષરપુરુષોત્તમ મંદિર બહાર બેસતા ચાની કિટલીવાળા સુધી લઇ ગયો. કિશોરભાઈએ આ રીક્ષા ડ્રાઇવરને પણ પોતાની સાથે ચા પીવાનો આગ્રહ કર્યો એટલે પછી ચા પીતી વખતે સહજ વાતચીતમાં રીક્ષાવાળાને ખબર પડી કે આ સાહેબ તો મહારાજા પર ડોક્યુમેન્ટરી બનાવે છે. આ જાણ્યા પછી ડ્રાઇવરે ભાડું લેવાની વાત તો છોડો, ચા ના પૈસા આપવાની પણ કિશોરભાઇને ના પાડી!

અલબત્ત, કિશોરભાઇએ એમને ચા તો પીવરાવી જ, કેમ કે છેવટે તો એ પોતે પણ કૃષ્ણકુમારસિંહજી માટેની પોતાની લાગણી અને આદરના કારણે જ આ કામ કરી રહ્યા હતા. પ્રપોઝલ મૂક્યાના ત્રણ વર્ષ પછી તો પછી, પણ પોતાના દિલની ચાલીસ વર્ષ જૂની ખ્વાહીશ એ નિવૃત્ત થતાં થતાં ય પૂરી કરી શક્યા હતા એનાથી વધારે નિવૃત્તિનો બીજો આનંદ ક્યો હોઇ શકે?

કદાચ એ જ એમને મન નિવૃત્તિવેળાનો સાચો શિરપાવ હતો, એ જ સાચી ફેરવેલ હતી!

(કેતન ત્રિવેદી)