અમદાવાદઃ અમદાવાદીઓથી માંડીને ગુજરાતવાસીઓ વીક-એન્ડમાં કે તહેવારોની મજા માણવા રાજ્યની નજીકનાં સ્થળોએ માઉન્ટ આબુ, ઉદેપુર કે ગોવા જાય છે, પણ મુશ્કેલીઓ ત્યારે ઊભી થાય છે, જ્યારે તેઓ દારૂ પીને કાર ચલાવે છે અથવા વધુ ઝડપે કાર દોડાવે છે. અમદાવાદ રોડ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2021માં 30 ટકા અમદાવાદીઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. તેમનાં લાઇસન્સ ગોવા અને રાજસ્થાન જેવા પ્રવાસી સ્થળોએ દારૂ પીને ગાડી ચલાવવા, સ્પીડમર્યાદાનું ઉલ્લંઘન કરવા અને ટ્રાફિકના નિયમોના ભંગ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
જેતે રાજ્યમાં લોકોનાં લાઇસન્સ જપ્ત કરી લેવામાં આવે, એ પછી જેતે રાજ્યની RTOને એ મોકલવામાં આવતાં હોય છે.અમે અપરાધીની વાત સાંભળ્યા પછી છ મહિના સુધી તેમનાં લાઇસન્સ સસ્પેન્ડ કરીએ છીએ. અપરાધીને એક તક આપીએ છીએ અને જો તે ભૂલ વાસ્તવમાં સ્વીકારી લે અને ફરી એવું નહીં કરવાનું વચન આપીએ તો અમે તેમને છોડી દઈએ છીએ, એમ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર આર. એસ. દેસાઈએ કહ્યું હતું.
(તસવીર પ્રતીકાત્મક છે)
RTOએ વર્ષ 2020માં 353 લાઇસન્સ, 2021માં 320 લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં હતા, જેમાંથી ઓક્ટોબર અને ડિસેમ્બર દરમ્યાન ગોવા અને રાજસ્થાનમાં 100 લાઇસન્સ (31 ટકા) ટ્રાફિકના નિયમો ભંગને લગતા હતા. વર્ષ 2022માં જાન્યુઆરીમાં નવ, ફેબ્રુઆરી અને માર્ચમાં પ્રત્યેકમાં 19, મેમાં 19 અને જૂનમાં 17 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
આમાંથી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં સૌથી વધુ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.