હાલ રાજ્યમાં ઉનાળો ચાલી રહ્યો છે. થોડા દિવસો બાદ સત્તાવાર ચોમાસું બેસી જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. પણ ચોમાસા પહેલા ગુજરાતીઓને અંગ દજાવતી ગરમીનો સામનો કરવો પડશે એવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ભારે ગરમી અને રાજ્યમાં વધતા રોગચાળાને લઈ ડોક્ટરો આ સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. જેને કારણે આ વર્ષે કુલિંગ એપલાયન્સ, મુખ્યત્વે એસીના વેચાણમાં તેજી આવી છે. પેનાસોનિક અને ગોદરેજ એપ્લાયન્સ જેવી કંપનીઓ અનુસાર, એપ્રિલમાં જ ગત વર્ષની તુલનાએ એસીનું વેચાણ અંદાજે 40% વધ્યું છે. સમગ્ર સિઝન દરમિયાન એસીનું વેચાણ 25% વધીને 1.25 કરોડ યુનિટ્સ સુધી પહોંચવાનું અનુમાન છે. 2023માં અંદાજે 1 કરોડ એ.સી.નું વેચાણ થયું હતું.
કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ એન્ડ એપ્લાયન્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન અનુસાર આગામી સમયમાં પણ એસીનું વેચાણ 20-35% વધી શકે છે. એપ્રિલમાં જ તેનું વેચાણ 40% વધ્યું હતું. જ્યાં એક અનુમાનનું માનીયે તો દેશમાં એસી માર્કેટ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. નોંધનીય છે કે એસી સહિત અન્ય હોમ એપ્લાયન્સમાં ઉપયોગ થતા એલ્યુમિનિયમ અને કૉપર જેવી મેટલની કિંમત આ વર્ષે વધી છે. તેમ છતાં એસી કંપનીઓના અધિકારીઓના મતે માંગ વધવા છતાં આ સિઝનમાં કિંમત વધશે નહીં.