અમદાવાદ: ગઈકાલે રાત્રે રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. અહીં તેમણે રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો હતો તેમજ બેનરો પણ ફાડ્યાં હતા. ગઈકાલે સંસદમાં પહેલી વખત રાહુલ ગાંધીએ વિપક્ષ નેતા તરીકે ભાષણ આપ્યું હતું. આ સંબોધન દરમિયાન કેટલાક મુદ્દાઓ તેમણે છેડ્યા હતા. જેને લઈ દેશભરમાં વિવાદના વંટોળ ઉભા થયા છે. આ સંબોધનમાં રાહુલ ગાંધીએ કેટલીક એવી વાત કહી કે જેના થી હિન્દુઓની લાગણી દુભાઈ.કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. તેમજ વહેલી સવારે વી.એસ.હોસ્પિટલ પાસે આવેલા GPCC ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા. હિન્દુ પર થયેલી ટીપ્પણીને લઈ રાજકારણ ગરમાયું છે. આ બનાવ અંગે ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપના કોઈ કાર્યકરે આવી પ્રવૃત્તિ કરી હોય એવું ધ્યાને આવ્યું નથી.
કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઈકાલે રાતે બજરંગ દળ અને VHPના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયમાં ગેટ કૂદીને પ્રવેશ કર્યો હતો. બનાવની જાણ થતાં કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં જઈને ફાટેલા પોસ્ટર અને બેનર હટાવવામાં આવ્યા છે. તેમજ પેઇન્ટ કરેલા બેનર પર સફેદ સ્પ્રે મારવામાં આવ્યો છે. રાહુલ ગાંધીના જે ફોટા પર સ્પ્રે મારવામાં આવ્યા છે તે ફોટા પણ હટાવી લેવામાં આવ્યા છે. પોલીસને જાણ થતાં કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ધીરે ધીરે કોંગ્રેસ કાર્યાલય પર એક એક નેતાઓ આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ગત રોજ સંસદમાં ભાજપના નેતા હિન્દુ નથી તે પ્રકારના આપેલા નિવેદન સામે હવે ભાજપનું રિએક્શન સામે આવી શકે છે. ભારતીય જનતા પાર્ટી આ સ્ટેટમેન્ટ સામે પ્રજા વચ્ચે જઈ અને વિરોધ કરવા માટેની રણનીતિ બનાવી રહ્યું છે. આ અંતર્ગત ભાજપના વિરોધ પ્રદર્શન કાર્યક્રમની જાહેરાતની શરૂઆત ગુજરાત ખાતેથી થાય તો નવાઈ નહીં.
શું છે સમગ્ર મામલો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સોમવાર, 1 જુલાઈના રોજ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે તેમનું પ્રથમ ભાષણ આપ્યું હતું. તેમણે ભગવાન શિવનો ફોટો બતાવીને ભાષણની શરૂઆત કરી હતી. 90 મિનિટના ભાષણમાં રાહુલે હિન્દુત્વ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, અયોધ્યા અને મોદીનો ડર જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીજી સમગ્ર હિન્દુ સમાજ નથી. ભાજપ સમગ્ર હિન્દુ સમાજ નથી. આરએસએસ એ સમગ્ર હિન્દુ સમાજ નથી. આ ભાજપનો કરાર નથી. જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ 24 કલાક હિંસા કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊભા થઈને તેમનો વિરોધ કર્યો હતો. અમિત શાહે માફી માગવાની માગ કરી હતી.