અમદાવાદઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નાં પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ રેશમા પટેલ ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયાં છે. રેશમા પટેલે ગઈ મોડી રાતે જ એનસીપીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ AAPના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાની હાજરીમાં AAPમાં જોડાયાં હતાં. ચઢ્ઢાએ રેશમાને પાર્ટીનો ખેસ પહેરાવીને એમને વિધિવત્ પાર્ટીમાં સામેલ કર્યાં હતાં. ચઢ્ઢાએ કહ્યું કે, પાટીદાર આંદોલનનો મહત્ત્વનો ચહેરો AAPમાં સામેલ થયો છે.
એનસીપીથી નારાજ થઈને રેશમા પટેલે ચૂંટણી પૂર્વે જ પક્ષમાંથી રાજીનામું આપીને શરદ પવારના નેતૃત્ત્વવાળી પાર્ટીને મોટો આંચકો આપ્યો છે. એમનાં જોડાવાથી AAP પાર્ટીને મોટું બળ પ્રાપ્ત થશે.
રેશમા પટેલ વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે ચૂંટણી લડે એવી ધારણા છે. જોકે આમ આદમી પાર્ટીએ તે બેઠક પર ચંદુજી ઠાકોરને ટિકિટ આપી દીધી છે, પરંતુ જો હવે પાર્ટી એ વિશે ફેરવિચારણા કરીને રેશમા પટેલને ટિકિટ આપશે તો ઠાકોર સમાજમાં નારાજગી ફેલાશે.