શાળા દ્વારા ‘અમૃત મહોત્સવ’ના ભાગરૂપે 400 ફૂટની રાખડી અર્પણ

અમદાવાદઃ રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ બંન્ને તહેવાર એકદમ નજીક હોવાથી રાષ્ટ્રીયતા અને લાગણીના બંધનની એક સાથે ઉજવણી થતી જોવા મળી રહી છે. 75મા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે શહેરના ભૂયંગદેવ વિસ્તારની શાળાએ અનોખી રીતે ઉજવણી કરી હતી. જેમાં રાખડી અને આઝાદીનાં અમર પાત્રોને એકસાથે જોડી ભવ્યતા રજૂ કરવામાં આવી છે. સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા લડવૈયા અને ભાગીદાર એવા લોકોના ફોટા સાથેની 400 ફૂટ લાંબી રાખડી સાધના વિનય મંદિરના પ્રાંગણમાં તૈયાર કરવામાં આવી હતી.

સાધના વિનય મંદિરના પંકજ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે આ શાળા રાજ્ય સરકારના રચનાત્મક અભિગમને કાર્યક્રમોમાં ઉત્સાહથી ભાગ લઇ કંઇક જુદી રીતે જ પ્રસ્તુત થાય છે. આ વર્ષે 75મા આઝાદીના અમૃત મહોત્સવ અને રક્ષાબંધનને ધ્યાનમાં રાખી 400 ફૂટની રાખડી બનાવવાનું નક્કી કર્યુ. આ રાખડી બનાવતી વખતે ત્રણ શિક્ષકો અને 35 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ રાખડીમાં કેટલી સામગ્રી વપરાઈ? એના જવાબમાં રવીન્દ્ર પટેલ કહે છે 90 થર્મોકોલ સીટ, 50 આર્ટ પેપર, 400 ફૂટ લેસ, 80 કલર પેપર અને 5 કિલો ફેવિકોલ વાપરવામાં આવ્યો હતો. આઝાદીના લડવૈયા એવા અમર પાત્રોવાળી 400 ફૂટની રાખડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવશે.

(પ્રજ્ઞેશ વ્યાસ)