વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં વીજ સુધારા બિલ રજૂ કરાયું

નવી દિલ્હીઃ સરકારે સોમવારે ઇલેક્ટ્રિસિટી (સુધારા) બિલ 2022 લોકસભામાં રજૂ કર્યું હતું, પણ વિરોધ પક્ષોના ભારે વિરોધની વચ્ચે એને સંસદીય સ્થાયી સમિતિને મોકલી આપ્યું હતું. આ બિલ ટેલિકોમ સર્વિસિસની જેમ ઇલેક્ટ્રિસિટીનું પણ ખાનગીકરણ કરવાની રાહ પર છે. જોકે એ બિલ ગ્રાહકોને ફોન, મોબાઇલ અને ઇન્ટરનેટ સર્વિસિસ પ્રોવાઇડર્સની જેમ વીજપુરવઠો પૂરો પાડતી કંપનીઓનો વિકલ્પ પૂરો પાડશે.

વીજપ્રધાન આર. કે. સિંહએ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું અને વિરોધ પક્ષની ચિંતાઓને દૂર કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એ બિલને સ્થાયી સમિતિને મોકલી આપવા વિનંતી કરી હતી. આ બિલનો વિરોધ કરતાં RSP સભ્ય એન. કે. પ્રેમચંદ્રન, કોન્ગ્રેસના સભ્ય મનીષ તિવારી અને અધિર રંજન ચૌધરી સહિત અનેક નેતાઓએ કહ્યું હતું કે આ બિલના માળખાની વિરુદ્ધમાં છે. પ્રેમચંદ્રને કહ્યું હતું કે આ વિધેયકની જોગવાઈઓ ગ્રાહકો અને ખેડૂતોનાં હિતોની વિરુદ્ધ છે. આ વિધેયકથી ખાનગી ક્ષેત્રની કંપનીઓને વીજ ક્ષેત્રે નફો કરવાની તક મળશે. તેમણે આ વિધેયક બાબતે રાજ્ય સરકારો સાથે વિચારવિમર્શ કરવાની વાત કરી હતી. આ વિધેયકામાં વીજ અને વિતરણમાં કેન્દ્રની ભૂમિકા ઓછી કરવાની માગ કરવામાં આવી છે.
તામિલનાડુ સરકાર છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતોને મફત વીજળી આપી રહી છે અને આ સુધારા બિલ ગરીબ ખેડૂતો પર પ્રતિકૂળ અસર પાડશે, એમ બાલુએ કહ્યું હતું. જોકે વીજપ્રધાને કહ્યું હતું કે વિરોધ પક્ષના લોકો આ બિલ સામે નકારાત્મક એજન્ડા ચલાવી રહ્યા છે.