અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાવાની છે, જેથી પ્રદેશ ભાજપ એકમ દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ સંદર્ભે ગુજરાત ભાજપ દ્વારા તેમના કાર્યક્રમની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. PM મોદીનો ગુજરાત પ્રવાસના કાર્યક્રમને લઈ તૈયારીઓ અંગે આજે ભાજપ કોર ગ્રુપની બેઠક મળી હતી. જેમાં તેમના રોડ શો અને પૂરા કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી. ગુજરાત પંચાયત મહાસંમેલન શહેરના GMDC પાસેના મેદાનમાં યોજાનાર છે. આ સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર પુરજોશમાં કામે લાગી ગયું છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાની પોલીસને GMDC પાસેના મેદાનમાં સુરક્ષાના હેતુથી ચુસ્ત બંદોબસ્ત માટે ઉતારી દેવામાં આવી છે.
શહેરના મેમનગર અને સોલા વિસ્તારોમાં ફૂટપાથ અને BRTS કોરિડોરનું રંગરોગાન સાફસફાઈ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના તૂટેલા માર્ગો પર થીંગડાં મારવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે.
11-12 માર્ચના અમદાવાદમાં યોજાનાર કાર્યક્રમો માટે હોર્ડિંગ્સ અને ફ્લેગ લાગી ગયાં છે. એક અંદાજ મુજબ પંચાયત મહાસંમેલન માટે ગામડાં, તાલુકા અને જિલ્લા કક્ષાએથી મોટા પ્રમાણમાં બસો ભરીને લોકો શહેરના GMDC પાસેના મેદાનમાં આવે એવી સંભાવના છે. આ સંમેલન માટે વિશાળ ડોમ અને સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)