ગિફ્ટ સિટીમાં બે વિદેશી બુલિયન બેન્કો સ્થપાય તેવી શક્યતા 

અમદાવાદઃ ગાંધીનગરમાં ગિફ્ટ-IFSCમાં આગામી પાંચેક મહિનામાં બે વિદેશી બુલિયન બેન્કો સ્થપાય તેવી શક્યતા છે. બુલિયન બેન્કમાં બેન્કિંગનું ચલણ કીમતી ધાતુઓમાં હોય છે. આમ ભારતમાં પોતાની કામગીરી શરૂ કરનાર સૌપ્રથમ બુલિયન બેન્ક બનશે. ગિફ્ટ IFSCનાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) ખૂલ્યા બાદના સાતેક મહિના મહિના બાદ આ ઘટના આકાર લઈ રહી છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું હતુ કે ભારતમાં આવી કોઇ બુલિયન બેન્ક નથી. જે કોઇ બેન્ક આવશે તે વિદેશી જ હશે. 

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ (યુકે), જેપી મોર્ગન (અમેરિકા), ફર્સ્ટ્રાન્ડ (દક્ષિણ આફ્રિકા) અને ડ્યુશ બેન્ક (જર્મની) હાલમાં એક્સચેન્જ સાથે વાટાઘાટ કરી રહી છે. IIBX ત્રણ વોલ્ટ્સ ધરાવે છે, જેમાં 450 ટન સોનું અને ગિફ્ટ-IFSCમાં 4500 ટન ચાંદીનો સંગ્રહ કરી શકાય છે.

IIBXમાં સભ્ય તરીકે એક વખત બેન્ક સ્થપાયા બાદ એ એક્સચેન્જમાં બુલિયન પૂરું પાડશે. એટલું જ નહીં, પરંતુ તેઓ ભવિષ્યમાં શરૂ થનાર અનેક પેદાશોમાં ટ્રેડિંગ પણ કરી શકશે. જોકે  બુલિયન બેન્કોના આવવાથી IIBXમાં તરલતામાં પણ વધારો થશે. એટલું જ નહીં, આવી બેન્કો ગોલ્ડ લોન્સ પણ ઓફર કરશે. 

એક અગ્રણી જ્વેલર્સે જણાવ્યું હતું કે તેનાથી જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને ફાયદો થશે. કિંમતની અસ્થિરતા અને આખા વર્ષમાં માગમાં ફેરફાર થતો હોવાથી જ્વેલર્સ ઘણી વખત કાર્યશીલ મૂડીની સમસ્યા અનુભવતા હોય છે. આ કિસ્સામાં લોન મળી રહેતી હોવાથી નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે.