સુરતઃ નરેન્દ્ર મોદીના જીવનકવન પરની પ્રદર્શનીથી જન્મદિવસની ઉજવણી

સુરત: આવતીકાલ તા.17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. પરંતુ સુરતમાં આ ઉજવણી આજે જ શરુ થઇ ચુકી છે. આજે 16મી સપ્ટેમ્બરે સુરતના સિટિલાઈટ વિસ્તારમાં આવેલા સાયન્સ સેંટરના એક્ઝિબિશન સેન્ટરમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનકવન પર આધારિત પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનીનું આયોજન સુરતના મજુરા વિસ્તારના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યું છે. chitralekha.com સાથે વાત કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ પ્રદર્શનીમાં નરેન્દ્રભાઈ મોદીના જીવન અને કવન સાથે સંકળાયેલી 95 જેટલી તસવીરો અને સ્કેચ પ્રદર્શિત કર્યા છે. વિશ્વના લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈનું જીવન અનેક માટે પ્રેરણાદાયી છે. એમના સંઘર્ષ થી લઇ સફળતા સુધીના આખા સફરને આ પ્રદર્શનીમાં આવરી લેવાયું છે.

આજે સવારે સાંસદ સી આર પાટીલ, દર્શનાબહેન જરદોશ, મેયર ડૉ.જગદીશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાળા, આયોજક ધારાસભ્ય હર્ષ સંઘવી વગેરે એને ખુલ્લું મૂક્યું હતું. પ્રથમ દિવસે અનેક શાળાના બાળકો અને શહેરીજનો એ આ પ્રદર્શનીની મુલાકાત લીધી હતી. આવતીકાલ 17મી સપ્ટેમ્બરની સાંજ સુધી આ પ્રદર્શની ખુલ્લી રહેશે. આ જ પ્રકારની એક પ્રદર્શની દિલ્હીમાં પણ ચાલી રહી છે.

(ફયસલ બકીલી)