અમદાવાદ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતીની વૈશ્વિક સ્મૃતિમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ગુજરાત સાયન્સ સિટી દ્વારા બીજી ઓક્ટોબર, 2022એ ડ્રોન-શો અને લાઇવ મ્યુઝિકલ ઈવનિંગ (લાઇવ સંગીત-સંધ્યા)નું આયોજન કરવામાં આવ્યું છે.
બીજી ઓક્ટોબરે સાયન્સ સિટીની મુલાકાત લેનાર મુલાકાતીઓ આ સંગીત-સંધ્યાનો નિ:શુલ્ક આનંદ માણી શકશે. આ ગાલા ઈવેન્ટમાં રાજ્યના માનનીય મંત્રીઓ, વિવિધ વિભાગોના મહાનુભાવો સાથે લગભગ 5000 લોકો જોડાશે. આ કાર્યક્રમ સાયન્સ સિટીના વિજ્ઞાન ભવનમાં સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે.
આ ડ્રોન-શો આકાશમાં છ કિમીની ત્રિજ્યા સુધી દેખાશે. આ ખાસ અવસર પર શ્રેષ્ઠ વિડિયો અને ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટ વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. અને તેમની કળા સાયન્સ સિટીના સોશિયલ મિડિયા પેજ પર દર્શાવવાની તક મળશે.રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી જનસમુદાયમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે કટિબદ્ધ છે. આ અંતર્ગત સાયન્સ સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃતિઓઓનું પણ આયોજન કરવામાં આવે છે.