ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ અગાઉ પણ એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના કેટલાક વિસ્તારમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતી સર્જાય હતી. આ વચ્ચે રાજ્યામાં પાછલા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધું વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 48.62 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સવારે 8 વાગ્યાથી 8 સુધીમાં 120 તાલુકામાં વરસાદ વરસી ગયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરુચના ઝઘડિયા તાલુકામાં નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 11.5 ઈંચ સુરતના ઉમરપાડમાં તો પલસાણામાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે.
તો આ બાજું ભરૂચમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે શહેરના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. ઉલ્લેખનીય છે કે ભરુચના હાંસોટમાં 4 ઈંચ, વાલિયામાં 3.5 ઈંચ, ઝઘડિયામાં 3 ઇંચ, અંક્લેશ્વર-નેત્રંગમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. શહેરમાં વહેલી સવારે પડેલા વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ભરૂચ ઉપરાંત તાપી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે સોનગઢ તાલુકામાં આવેલ ડોસવાડા ડેમ સંપૂર્ણ ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા તંત્ર દ્વારા નીચાણવાળા 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના જિલ્લાના દ્વારકામાં બપોરે 12 થી 4 દરમિયાન સવા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આમ, એક સપ્તાહમાં જ દેવભૂમિ દ્વારકામાં 32 ઈંચ સાથે સિઝનનો 71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત મંગળવારે કચ્છના માંડવીમાં બે કલાકમાં સવા 2 ઈંચ સહિત 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
તો દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લા બાદ નવસારી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે કાવેરી નદીનું લેવલ વધવાના કારણે બીલીમોરા તાલુકાના દેસરા રામજી મંદિર, કુંભારવાડની આસપાસ રેહતા નાગરિકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક સ્થળોએ સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં દ્વારકા જિલ્લાના ગઢેચી ગામેથી મંગળવારે 15 વ્યક્તિના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.