સુરતઃ શહેરમાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોની સ્થિતિ સૌથી કફોડી બની છે. સુરતમાંથી પરપ્રાંતિયોને પોતાના વતન પરત મોકલવા માટે ખાસ ટ્રેન દોડાવાઈ રહી છે, આ સિવાય બસોનું પણ આયોજન કરાયું છે. લોકડાઉનમાં બે અઠવાડિયા લંબાઈ જતા હવે પરપ્રાંતિય શ્રમિકો માટે સમસ્યા સર્જાઈ છે અને તેમની ધીરજ પણ ખૂટી રહી છે.
આ લોકો પોતાના ગામ પરત ફરવા માટે અધીરા થઈ રહ્યાં છે. ત્યારે આજે સુરત શહેરના ઈચ્છાપોર નજીક મોરાગામે વતન જવાની માંગ સાથે હોબાળો કરી પથ્થરમારો કરતાં પોલીસે લાઠિચાર્જ કરી ટીયરગેસના સેલ છોડ્યાં હતાં. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે હળવો લાઠી ચાર્જ પણ કર્યો અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. ઉલ્લેખનીય છે ગત સોમવારે પણ સુરતમાં વતન પાછા ફરવાની માગણી સાથે પરપ્રાંતિય શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતા. પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતિય શ્રમિકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. 1000થી વધુના ટોળાએ આક્રોશમાં આવીને પોલીસ પર પથ્થમારો કર્યો. સ્થિતિ કાબૂમાં ન રહેતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યાં હતા. આ બાજુ પાલનપુર પાટીયા વિસ્તારમાં પણ 500 શ્રમિકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.