લોકસભા ચૂંટણી માટે ઉમેદાવારોએ નામાંકન નોંધાવી ચૂક્યા છે. તો બીજી બાજુ રાજોકટ બેઠક પર રૂપાલા વિવાદ યથાવત્ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ઉમેદવારી પરત ખેચવાની માગ પર અડગ છે. જ્યારે રૂપાલાએ રંગે ચંગે તારીખ 19 એપ્રિલના લોકસભા ચૂંટણી માટે પોતાની નામાંકન રાજકોટ બેઠક પર નોંધાવ્યું હતું. રૂપાલાના ફોર્મ ભર્યા બાદ ક્ષત્રિય સમાજ સંકલનની અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં એક બેઠક યોજાઈ હતી. અંદાજે બે કલાક સુધ આ બેઠક ચાલી હતી. બેઠકમાં રમજુબા, કરણસિંહ ચાવડા, તૃપ્તીબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પરશોત્તમ રૂપાલાએ ફોર્મ પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે.
અમદાવાદમાં બેઠક બાદ ક્ષત્રિય સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં સમિતિએ આગામી રણનીતિ અને આંદોલન અંગે માહિતી આપી છે. સમિતિએ તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની અને પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. સમિતિએ કહ્યું કે, ‘રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પ્રતિક ઉપવાસ કરશે. રૂપાલાના વિરોધમાં પાંચ ઝોનમાં પાંચ ‘ધર્મ રથ’ કાઢવામાં આવશે. સંઘર્ષ લાંબો હોવાથી લીગલ ટીમ પણ બનાવવામાં આવશે’.
આ ઉપરાંત ક્ષત્રિય સમાજે બોયકોટ ભાજપ અને ‘મત એ જ શસ્ત્ર’નું નવું સૂત્ર અપનાવ્યું છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં પરિણામલક્ષી વિરોધની જાહેરાત કરવામાં આવી છે. લોકશાહીના ઢબે શાંતિથી વિરોધ કરાશે. નોંઘનીય છે કે ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને 100 ટકા હરાવવાનો દાવો કર્યો છે સાથે જ 5 લાખ મતથી જીત ભૂલી જવાની પણ વાત કરી હતી.