અમદાવાદ – ભારતીય રેલવેની પેટા-કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની બીજી ખાનગી ટ્રેન અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને આજે સવારે અમદાવાદ રેલવે સ્ટેશનેથી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેનની કમર્શિયલ સેવા જોકે 19 જાન્યુઆરીથી શરૂ થશે.
તેજસ એક્સપ્રેસ શ્રેણીની આ બીજી ટ્રેન છે. પહેલી ટ્રેન લખનઉ-નવી દિલ્હી વચ્ચે ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેનને ગુરુવારને બાદ કરતાં અઠવાડિયાના છ દિવસ દોડાવાશે. ગુરુવારનો દિવસ ટ્રેનનું જાળવણી કાર્ય હાથ ધરવા માટે ફાળવવામાં આવ્યો છે. આ ટ્રેનનો નંબર છે – 82902/82901. સંપૂર્ણ એરકન્ડિશન્ડ એવી આ ટ્રેન આજે માત્ર ઉદઘાટન સફરમાં અમદાવાદથી આજે સવારે 9.30 વાગ્યે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ સાંજે 4.30 વાગ્યે પહોંચશે. વળતી સફરમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી સાંજે 5.15 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાતે 11.30 વાગ્યે પહોંચશે.
19 જાન્યુઆરીથી આ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડશે અને મુંબઈ સેન્ટ્રલ ખાતે બપોરે 1.10 વાગ્યે પહોંચશે. વળતી સફરમાં, ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે ઉપડશે અને અમદાવાદ રાતે 9.55 વાગ્યે પહોંચશે. ટ્રેન 533 કિ.મી.નું અંતર 6 કલાક અને 30 મિનિટમાં પૂરું કરશે.
અમદાવાદથી ઉપડ્યા બાદ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી ઉભી રહેશે. મુંબઈથી ઉપડીને ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ ખાતે ઊભી રહેશે.
ટ્રેનમાં બે એક્ઝિક્યૂટિવ ક્લાસ ચેર કાર છે. દરેક ડબ્બામાં 56 સીટ છે. તે ઉપરાંત આઠ ચેર કાર બોગી છે, જે દરેકમાં 78 સીટની વ્યવસ્થા છે. ટ્રેનની કુલ ક્ષમતા 736 પેસેન્જરો માટેની છે.
ટ્રેનમાં અનેક આધુનિક સુવિધાઓ છે, જેમ કે સ્લાઈડિંગ દરવાજા, વ્યક્તિગત વાંચન માટેની લાઈટ, મોબાઈલ ફોન ચાર્જિંગ પોઈન્ટ્સ, અટેન્ડન્ટ કોલ બટન, બાયો-ટોઈલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ દરવાજા, સીસીટીવી કેમેરા, આરામદાયક સીટ.
અમદાવાદ-મુંબઈ તેજસને કારણે બીજી 33 ટ્રેનોનો સમય બદલાયો
તેજસ એક્સપ્રેસ ટ્રેન સમયસર દોડી શકે એ માટે આશરે 33 જેટલી ટ્રેનોના સમયમાં સહેજ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો માટે જુદા જુદા સ્ટેશનો ખાતેના સમયને એડજસ્ટ કરવામાં આવ્યો છે. આમાં અમદાવાદ-ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અમદાવાદથી 25 મિનિટ મોડી ઉપડશે, પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 55 મિનિટ મોડી ઉપડશે. અન્ય 16 મેલ/એક્સપ્રેસ ટ્રેનો તથા ચાર મેમૂ ટ્રેનો પણ અમદાવાદ સ્ટેશનેથી પાંચથી લઈને 10 મિનિટ મોડી રવાના થશે.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ માટે તત્કાલ ક્વોટા કે પ્રીમિયમ તત્કાલ ક્વોટાની ટિકિટો રાખવામાં આવી નથી. આમાં માત્ર જનરલ અને ફોરેન ટુરિસ્ટ ક્વોટા જ છે. ફોરેન ટુરિસ્ટ ક્વોટામાં એક્ઝિક્યૂટિવ ચેર કારમાં 6 સીટ રાખવામાં આવી છે જ્યારે ચેર કાર બોગીઓમાં 12 સીટ વિદેશી પર્યટકોને ફાળવવામાં આવી છે.
આ ટ્રેનમાં પ્રવાસીઓને ટ્રાવેલ વીમાનું કવચ આપવા ઉપરાંત IRCTC કંપની જો ટ્રેન એક કલાકથી વધુ સમય મોડી પડશે તો દરેક પ્રવાસીને રૂ. 100નું વળતર આપશે અને બે કલાકથી વધુ સમય મોડી પડશે તો અઢીસો રૂપિયાનું વળતર આપશે.
અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ ટ્રેનનું બુકિંગ માત્ર IRCTCની વેબસાઈટ પરથી અથવા Paytm, Ixigo, PhonePe, Make My Trip, Google, Ibibo, Railyatri જેવા તેના ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ પાર્ટનર્સ મારફત કરી શકાશે. રેલવે રિઝર્વેશન કાઉન્ટરો પરથી આની ટિકિટ નહીં મળે.