સુરતઃ રક્ષામંત્રીએ પૂજન સાથે કે-9 વજ્ર તોપને સેનામાં આવકારી

સુરતઃ ગુજરાતના પ્રવાસે આવેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે 51મી કે-9 વજ્ર-ટી તોપને સુરતમાં લીલી ઝંડી બતાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ તોપ પર સવાર પણ થયા અને તેને હજીરા પરિસર આસપાસ ચલાવી પણ હતી. લાર્સન એન્ડ ટુબ્રોએ રક્ષામંત્રીને કે-9 વ્રજ-ટી તોપની મારક ક્ષમતાના પ્રદર્શન બતાવ્યા હતા.

રક્ષામંત્રીએ તોપ ઉપર સ્વસ્તિક (સાથિયો) પણ બનાવ્યો. આ તોપનું વજન 50 ટન છે અને આ તોપ 47 કિલોના ગોળા 43 કિલોમીટર દૂર સુધી ફેંકી શકે છે. આ તોપ શૂન્ય ત્રિજયા પર પણ ફરી શકે છે. રક્ષા મંત્રાલયે કેન્દ્રની મેક ઈન ઈન્ડિયા પહેલ અંતર્ગત ભારતીય સેના માટે એલ એન્ડ ટી કંપનીને 2017 માં કે-9 વ્રજ-ટી 155મિમી/52 કેલીબર તોપના 100 યૂનિટ માટે 4500 કરોડ રુપિયાનો કરાર કર્યો હતો.

મંત્રાલય દ્વારા કોઈ પ્રાઈવેટ કંપનીને આપવામાં આવેલો આ સૌથી મોટો સોદો છે જે અંતર્ગત 42 મહિનામાં આ તોપોના 100 યૂનિટ આપવામાં આવશે. તોપ પર રક્ષામંત્રીએ ચાંદલો કર્યો અને કંકુથી સાથિયો બનાવીને પૂજા કરી હતી.