ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ડબલ એન્જિનની સરકાર રાજ્યના સાડાછ કરોડ નાગરિકોનાં સપનાં સાકાર કરી રહી છે. રાજ્યના સુરત શહેરમાં પણ વિકાસનાં અનેકવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંતમાં રાજ્યમાં બે દિવસના પ્રવાસે છે. 29 સપ્ટેમ્બરે વડા પ્રધાન મોદી સુરતમાં રૂ. 3472.54 કરોડનાં વિવિધ વિકાસ-કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આ વિવિધ વિકાસ-કાર્યોમાં પાણીપુરવઠાના રૂ.672 કરોડનાં કાર્યો, રૂ. 890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ. 370 કરોડના ડ્રીમ (DREAM) સિટીનાં કાર્યો, રૂ. 139 કરોડના ખર્ચે બાયો-ડાયવર્સિટી પાર્ક તેમ જ અન્ય વિકાસ કાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ-બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં વિકાસ-કાર્યોનો સમાવેશ થાય છે.
ડ્રીમ સિટીનું લોકાર્પણ
સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના રૂ.103.40 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફેઝ-1 રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ફેઝ-2નાં કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આમ, વડા પ્રધાન ડ્રીમ સિટીના કુલ રૂ. 369.60 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
નવો બાયો-ડાયવર્સિટી પાર્ક
વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને પર્યાવરણની જાળવણી કરવાના ઉદ્દેશથી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ડૉ. હેડગેવાર બ્રિજથી ભીમરાડ-બમરોલી બ્રિજ સુધીના ભાગમાં કાંકરા ખાડી પાસે આશરે 87.50 હેક્ટર ખુલ્લી જગ્યામાં બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. રૂ. 139 કરોડના ખર્ચે તૈયાર થનારા આ બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગ ટ્રેઇલ્સ, ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે હશે. આ સ્વચ્છ, હરિયાળો પાર્ક મુલાકાતીઓની શારીરિક અને માનસિક સ્થિતિ જાળવવામાં મદદરૂપ થશે. આ ઉપરાંત પાર્કની જાળવણી, બાગાયત તેમ જ હાઉસ કીપિગ માટે કર્મચારીઓની જરૂર પડશે, જેના કારણે રોજગારીની તકો ઊભી થશે.
