રાજ્યમાં ‘તાઉ’તે’ સાંજ સુધીમાં ટકરાશેઃ 1.50 લાખ લોકોનું સ્થળાંતર

સુરતઃ અરબ સાગરમાં સર્જાયેલા ‘તાઉ’તે’ કેરળ, કર્ણાટક અને ગોવાના તટીય વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યા પછી હવે એ 181 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ‘તાઉ’તે’ વાવાઝોડું સાંજ સુધીમાં ગુજરાતમાં ટકરાવાની શક્યતા છે. ‘તાઉ’તે’ની ઝડપને જોતાં ગુજરાતના કેટલાય જિલ્લામાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ‘તાઉ’તે’ દીવથી 260 કિમી દૂર છે, પણ એની અસર હજી જોવા મળી રહી છે. ‘તાઉ’તે’ના જોખમને જોતાં 1.50 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા છે.

સુરત, તીથલ, વલસાડ અને સૌરાષ્ટ્રના મહુવા, દીવ, સોમનાથ, દ્વારકા, પોરબંદરના દરિયાની નજીક કોઈ વ્યક્તિ જાય નહીં અને માછીમારો સાહસ ના કરે એ માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ તરફ ઘોઘામાં પણ 9 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. બીજી તરફ પોરબંદર પોર્ટ પર આઠ નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

તાઉ’તે વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે રાત્રે 8થી 11 કલાકની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ છે, વાવાઝોડાની સંભવિત અસરને પગલે  દરિયાકાંઠાના 17 જિલ્લાના આશરે 650 ગામોમાંથી દોઢ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. આ સાથે વેરાવળ અને જાફરાબાદ બંદર પર 10 નંબર સૌથી ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. રાજ્યમાં 23 વર્ષ બાદ વાવઝોડું આવી રહ્યું છે. 1998માં કચ્છના કંડલામાં આવું જ ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું.

રાજ્યના 21 જિલ્લાના 84 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. વાવાઝોડાથી થયેલા નુકસાનને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 240 વન વિભાગની 242 માર્ગ અને મકાન વિભાગનીની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે.

રાહત અને બચાવ માટે NDRF 41 ટીમો સંબંધિત જિલ્લોના મેનેજમેન્ટ માટે સામેલ કરી દેવામાં આવી છે. જ્યારે SDRFની 10 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. વાવાઝોડાને પરિણામે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો તેના નિકાલ માટે રાજ્યમાં કુલ 456 ડીવોટરિંગ પંપ તૈયાર રાખવામાં આવ્યા છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]